ઈરાન અને પશ્ચિમ દેશો વચ્ચે તણાવ હવે ચરમસીમાએ છે. અમેરિકાએ ઈઝરાયલ સાથે મળીને ઈરાનના 5 મુખ્ય પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. પણ આ તો માત્ર આરંભ છે, કારણ કે ઈરાન પાસે કુલ 12 પરમાણુ પ્લાન્ટ છે, જે પૈકી ઘણા હજુ યથાવત છે.
હુમલાના કેન્દ્રમાં કયા સ્થળો હતા?
ફોર્ડો – સૌથી વધુ સુરક્ષિત
ફોર્ડો પ્લાન્ટ ઈરાનનું સૌથી ગુપ્ત અને સુરક્ષિત ન્યુક્લિયર કેન્દ્ર છે. કોમ શહેરની નજીક ટેકરીની અંદર, લગભગ 90 મીટરની ઊંડાઈએ આવેલા આ પ્લાન્ટને 2009માં ખુલ્લો પાડવામાં આવ્યો હતો. અહીં 3000 સેન્ટ્રીફ્યુજ કાર્યરત છે. અમેરિકાના B-2 સ્ટીલ્થ બોમ્બર્સે અહીં બંકર-બસ્ટર બોમ્બ ફેંક્યા, જે ફક્ત અમેરિકા પાસે જ છે.
નાતાન્ઝ – બીજું મોટું કેન્દ્ર
તેહરાનથી 250 કિમી દક્ષિણમાં આવેલા આ પ્લાન્ટમાં અત્યાર સુધી 9 પરમાણુ બોમ્બ માટે પૂરતું યુરેનિયમ છે. અહીં અદ્યતન ટેકનોલોજીથી બનેલા સેન્ટ્રીફ્યુજ કાર્યરત છે. અગાઉ 2021માં પણ ઈઝરાયલે અહીં હુમલો કર્યો હતો.
ઇસ્ફહાન – યુરેનિયમ રૂપાંતરણનું કેન્દ્ર
આ શહેરમાં યુરેનિયમ કન્વર્ઝન ફેસિલિટી છે. અહીં યુરેનિયમને UF4 અને UF6 તરીકે રૂપાંતરિત કરવામાં આવે છે. આ ગેસ પરમાણુ સંવર્ધન માટે મહત્વપૂર્ણ હોય છે.
અરક – પ્લુટોનિયમ માટે ઓળખાય છે
અરકમાં આવેલા પ્લાન્ટમાં ભારે પાણીના રિએક્ટર દ્વારા પ્લુટોનિયમનું ઉત્પાદન થાય છે. આ રિએક્ટરમાંથી પણ પરમાણુ બોમ્બ માટે સામગ્રી તૈયાર થાય છે.
તેહરાન – રિસર્ચ અને રિએક્ટરનું કેન્દ્ર
તેહરાનમાં આવેલું ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર શરૂથી જ વિવાદાસ્પદ રહ્યું છે. અહીં 1967માં અમેરિકાએ આપેલો રિએક્ટર આજે પણ કાર્યરત છે અને તબીબી ઉપયોગ માટે રેડિયોઆઈસોટોપ્સ બનાવે છે. જોકે હવે અહીં પ્લુટોનિયમ શસ્ત્રો માટે પણ સંશોધન થતું હોવાનું કહેવાય છે.
બાકીના 7 પ્લાન્ટ ક્યા છે?
બુશેહર, કારાજ, અનારક, સાઘાંદ, અર્દકાન, સિરિક અને દાર્ખોવિન – આ તમામ સ્થળો ઈરાનના પરમાણુ નેટવર્કના ભાગરૂપે છે, જ્યાં યુરેનિયમની ખાણો અને પ્રક્રિયા કેન્દ્રો છે.
કેટલું યુરેનિયમ છે ઈરાન પાસે?
IAEA મુજબ, મે 2025 સુધીમાં ઈરાન પાસે લગભગ 9247.6 કિલો યુરેનિયમ છે. એમાં પણ 408.6 કિલો પહેલેથી જ 60% શુદ્ધતા સુધી પ્રોસેસ થયેલું છે. પરમાણુ બોમ્બ બનાવવા માટે 90% શુદ્ધતા જોઈએ. એટલે કે, ઈરાન પાસે હાલમાં 10 પરમાણુ બોમ્બ બનાવવા જેટલી સામગ્રી છે.
શું છે ખતરો?
જેમ જેમ તણાવ વધી રહ્યો છે, એમ એ આશંકા પણ વધી રહી છે કે બચેલા પરમાણુ પ્લાન્ટો હવે વધુ ગંભીર નિશાન બની શકે છે. આ પ્રવૃત્તિઓને કારણે વિશ્વશાંતિ માટે મોટો સંકટ ઊભો થવાનો ભય છે.
