યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ત્રણ વર્ષ થવા આવ્યા છે. જોકે ગઈકાલની રાત યુક્રેન માટે સૌથી વધુ ભયાનક સાબિત થઈ. કારણ કે, રશિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો — 479 ડ્રોન અને 20 મિસાઈલ સાથે.
આ હુમલાનો મુખ્ય લક્ષ્યાંક યુક્રેનના મધ્ય અને પશ્ચિમ વિસ્તાર હતો. ખાસ કરીને એવા વિસ્તારોને નિશાન બનાવાયા જ્યાં સામાન્ય લોકોની વસવાટ હતી. આ હુમલાની પાછળનું કારણ થોડા દિવસ પહેલાં યુક્રેન દ્વારા રશિયાની એરબેસ પર કરાયેલો હુમલો હોઈ શકે છે.
યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, 277 ડ્રોન અને 19 મિસાઈલને તેઓએ હવામાં જ તોડી નાંખી. જોકે, લગભગ 10 ડ્રોન અને મિસાઈલો પોતાના નિશાન સુધી પહોંચી ગયા હતા, જેના કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ થયું. હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાની માહિતી સામે આવી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પરિસ્થિતિને “અતિ ગંભીર” ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર, પૂર્વ અને ઉત્તર-પૂર્વ મોરચા પર દબાણ વધ્યું છે. તેમણે ખાસ કરીને એ વાત પર ભાર મૂક્યો કે યુક્રેનને તાત્કાલિક એર ડિફેન્સ સિસ્ટમની જરૂર છે. તેમ છતાં, અમેરિકાની નીતિમાં સ્પષ્ટતા ન હોવાને કારણે સ્થિતિ વધુ જટિલ બની રહી છે.
અહીં નોંધનીય છે કે રશિયાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેઓના દાવા પ્રમાણે, રશિયાના અંદરના સાત વિસ્તારોમાં 49 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. વોરોનેઝમાં માત્ર 25 ડ્રોન તોડાયા છે. જેના કારણે એક ગેસ પાઈપલાઇનને નુકસાન થયું અને ત્યાં આગ લાગી ગઈ.
સૌથી ચોંકાવનારી ઘટના એ હતી કે બે યુક્રેનિયન ડ્રોનોએ મોસ્કોથી 600 કિમી દૂર આવેલા ચુવાશિયા વિસ્તારમાં પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જો કે, રશિયા દાવા કરે છે કે આ ખતરો તાત્કાલિક અસરથી ટાળી દેવામાં આવ્યો.
