રશિયા અને યુક્રેન વચ્ચે 2022થી ચાલી રહેલા યુદ્ધે હવે એક ભયજનક વળાંક લઈ શકે છે. બ્રિટિશ કર્નલ રિચર્ડ કેમ્પે તાજેતરમાં ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે ટેકટિકલ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરીને યુક્રેન પર હુમલો કરી શકે છે.
તેમના જણાવ્યા અનુસાર રશિયા ખાસ કરીને યુક્રેનના એરફિલ્ડ્સને ટાર્ગેટ બનાવી શકે છે. પુતિન ચાહે છે કે દુનિયાને પોતાના શક્તિશાળી સિગ્નલ આપે અને યુક્રેનને તોડીને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરે.
તેમણે વધુમાં કહ્યું કે – હકીકત એ છે કે વિશ્વના ઘણા નેતાઓ પરમાણુ હુમલાનો સીધો જવાબ નહીં આપે. આ કારણસર પુતિન એવું માને છે કે તે પરમાણુ હુમલાનું જોખમ લઈ શકે છે.
યુક્રેન તરફથી તાજેતરમાં થયેલા અનેક હુમલાઓમાં અમેરિકાની મદદથી મળેલી લાંબી મિસાઇલોએ રશિયાના લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા છે. જેને લઈને રશિયા વધુ ઉશ્કેરાયેલો છે.
આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે મહત્વની વાત એ છે કે રશિયા પાસે હાલમાં દુનિયાના સૌથી વધુ – 5,889 પરમાણુ શસ્ત્રો છે. જેમાંથી 1,674 વપરાશ માટે તૈયાર સ્થિતિમાં છે. બીજી તરફ અમેરિકા પાસે 5,244 અને બ્રિટન પાસે માત્ર 225 શસ્ત્રો છે.
2024ના નવેમ્બરમાં રશિયાએ તેની પરમાણુ નીતિમાં ફેરફાર કર્યો. નવા નિયમ મુજબ, જો કોઇ દેશ – ભલે તે પોતે પરમાણુ શસ્ત્ર વિનાનો હોય – પરંતુ કોઇ પરમાણુ શક્તિ (જેમકે અમેરિકા)ની સહાયથી રશિયા પર હુમલો કરે, તો રશિયા એના પર પરમાણુ હુમલો કરી શકે છે.
આ પહેલા પણ 2022 દરમિયાન રશિયન મીડિયા ચેનલોએ લંડન, પેરિસ અને બર્લિન પર પરમાણુ હુમલાની ખુલ્લી ધમકી આપી હતી.
વિશ્વ માટે આ ચેતવણી એ સૂચવે છે કે હવે યુદ્ધ માત્ર સાધારણ લડાઈ નહીં રહી, પણ તે એક ગંભીર માનવીય સંકટ તરફ વધી શકે છે – અને તે પણ ગમે ત્યારે.
