દેશભરની મેટ્રોલાઇનને નિશાન બનાવતી ‘ખેકડા ગેંગ’ ઝડપાઈ : ઝાડ પર ચડીને કટરથી કેબલ કાપતા, ભાડાના મકાનમાં મુદ્દામાલ સંતાડ્યા બાદ ટ્રેનથી દિલ્હી સપ્લાય કરતા
ગાંધીનગર, અમદાવાદ તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, પુણે સહિત ભારતભરનાં મેટ્રો સ્ટેશનના કેબલચોરી કરતી દિલ્હીની ‘ખેકડા ગેંગ’ના 4 શખસને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે પકડી કુલ 35 જેટલા ગુના ડિટેક્ટ કર્યા છે. આ ગેંગ મેટ્રો રૂટ પર આવેલા કોઈ ઝાડ પર ચડીને કટરથી કેબલ કાપતા હતા. એ બાદ ભાડાના મકાનમાં મુદ્દામાલ સંતાડી રાખતા હતા. જ્યાં કોપરના વાયરો અલગ કરી એનું પેકિંગ કરી ટ્રેનથી દિલ્હી સપ્લાય કરતા હતા. હજુ આ ગેંગના 11 આરોપી ફરાર છે.
જૂના કોબા મેટ્રો સ્ટેશન નજીક કેબલની ચોરી થઈ હતી. તાજેતરમાં ગાંધીનગર જિલ્લા ખાતે ઇન્ફોસિટી પો.સ્ટે. વિસ્તારના જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે મેટ્રોલાઈન ઉપર કેબલચોરીનો ગુનો બન્યો હતો. ગત તા.02/06/2025ના રોજ આઇ.પી.એલ. મેચ દરમિયાન મોડીરાત્રિના 2થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન કોબા સર્કલ પાસે આવેલા જૂના કોબા મેટ્રો સ્ટેશન નજીક કોઈ અજાણ્યા ઈસમોએ 700 મીટર કેબલ, જેની કિંમત રૂપિયા 17,85,000/-ને કટર વડે કાપી ચોરી કરી લઇ ગયા હતા.
અલગ-અલગ ચાર ટીમની રચના કરાઈ
ઘટનાને પગલે પોલીસ અધીક્ષક રવિતેજા વાસમસેટ્ટીએ પોતે ગુનાવાળી જગ્યાએ આવી સત્વર ગુનાનો ભેદ ઉકેલાય એ અંગે પો.ઇન્સ.એલ.સી.બી-1 ડી.બી.વાળા તેમજ પો.ઇન્સ. એલ.સી.બી.-2 એચ.પી.પરમાર નાઓને સૂચના આપી હતી. એ અનુસંધાને અલગ-અલગ અધિકારીઓની ચાર ટીમની રચના કરવામાં આવી હતી. ગાંધીનગરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરાયા હતા તેમજ ટેક્નિકલ એનાલિસિસના આધારે બનાવ સમયે બે શંકાસ્પદ ગાડી ધ્યાનમાં આવતાં વાહનમાલિકની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓની ઓળખ મળી હતી.
કલોલ ખાતે એક મકાન ભાડેથી રાખ્યું
જે આધારે ટેક્નિકલ સર્વેલન્સ કરી તેમજ ખાનગી બાતમીદાર દ્વારા જાણવા મળ્યું કે આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ છુપાવવા કલોલ ખાતે એક મકાન ભાડેથી રાખ્યું છે. એ મકાનમાં જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે થયેલી મેટ્રો કેબલચોરીનો મુદ્દામાલ હાલ ત્યાં રાખ્યો હતો અને આ મુદ્દામાલ સગેવગે કરવા માટે આરોપીઓ મકાન પર હાજર હોવાની માહિતી મળી હતી. એ આધારે કલોલ ખાતે પોલીસે તપાસ કરતાં ચાર ઈસમો મળ્યા હતા. પોલીસે મુશરફ ઈરશાદ મુલેજાટ, રાશિદ ઈશાક ઈસ્માઈલ ધોબી, રાશિદ અબ્દુલ અઝીઝ શબ્બીર અંસારી અને ઇરશાદ મજીદ અલ્લામેહર મલિકને ઝડપી પાડ્યા હતા.
