ભારત સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. “ઓપરેશન સિંદૂર”ના અંતર્ગત 29 મે, બુધવારે સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન દેશના પાંચ મુખ્ય રાજ્યોમાં એક સાથે મોટાપાયે મોકડ્રીલ યોજાશે.
આ મોકડ્રીલ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યમાં યોજાશે, જે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા છે. આતંકી હુમલાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તાકીદની પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને નાગરિકો બંને સારી રીતે તૈયારી રાખી શકે.
ગુજરાતમાં વિશેષ તૈયારી:
ગુજરાત રાજ્યમાં અગાઉ 19 સ્થળોએ સફળ મોકડ્રીલ કરવામાં આવી હતી. આ સ્થળોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.
-
પહેલી કેટેગરી: સુરત, વડોદરા, કાકરાપાર
-
બીજી કેટેગરી: અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડિનાર
-
ત્રીજી કેટેગરી: ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી
મોકડ્રીલ દરમિયાન શું શું કરાશે?
-
હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
-
નાગરિકો અને વિદ્યાર્થીઓને બચાવની ટ્રેનિંગ આપવામાં આવશે.
-
તમામ વિસ્તારોમાં બ્લેકઆઉટનો અભ્યાસ કરવામાં આવશે.
-
સુરક્ષિત સ્થળે પહોંચવાની પ્રેક્ટિસ કરાવાશે.
-
મહત્વપૂર્ણ સરકારી ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.
સાયરન વાગે ત્યારે નાગરિકોએ શું કરવું?
જ્યારે સાઈરન વાગે ત્યારે ગભરાશો નહીં. તરતજ 5-10 મિનિટમાં સલામત સ્થળે પહોંચી જવાનું છે. ખુલ્લા મેદાનોથી દૂર રહીને ઘરના અંદર રહેવું. ટેલીવિઝન, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. અફવાઓથી દૂર રહીને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
