કેદારનાથના દરવાજા ભક્તો માટે ખુલ્યા, પરંતુ હવામાન ચિંતાજનક
ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલ્લા મુકાઈ ગયા છે. ભક્તોએ આજ સવારે પૂજાનું ભવ્ય આયોજન કર્યું અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા. તેમણે બાબા કેદારનાથના આશીર્વાદ લઈને સમગ્ર રાજ્ય માટે શાંતિ અને સુખની કામના કરી.
ચારધામ યાત્રાનો આ પવિત્ર સમય ભક્તો માટે ઉત્સાહભર્યો છે, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં પડકારજનક પરિસ્થિતિની ચેતવણી આપી છે. 2 મે અને તેના પછીના દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, તોફાન અને કરા પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
કેદારનાથ, યમુનોત્રી, ગંગોત્રી અને બદ્રીનાથ જેવા ધામોમાં જતાં માર્ગો પર યાત્રાળુઓએ વિશેષ સાવચેતી રાખવી જરૂરી બની છે. હવામાન વિભાગ અનુસાર, પવન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાનો અંધાજ છે અને ઉંચાઈવાળા વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
નૈનિતાલ, દહેરાદૂન અને ઉત્તરકાશી જેવા વિસ્તારોમાં હવામાન પહેલેથી બદલાઈ ગયું છે. યમુનોત્રીમાં વરસાદ શરૂ થઈ ગયો છે જ્યારે ગંગોત્રી તરફ ભારે પવનની સાથે વરસાદની શક્યતા છે.
ભક્તો માટે સલાહ છે કે યાત્રા પર જતા પહેલા હવામાનનો અનુમાન તપાસી લેવા અને જરૂરી સુરક્ષા સાધનો સાથે જવા. દરેક યાત્રાળુએ પોતાની અને અન્ય ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખી આગળ વધવું જોઈએ.
