અમદાવાદના ફાયર વિભાગને જ રેસ્ક્યુની જરૂર! ફાયર મેનની ૧૦૨ , ડ્રાઈવરની ૫૮ જગ્યા ખાલી
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ, સુરતના તક્ષશીલા અને અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગ જેવી ઘટનાઓ બાદ ફાયર સેફ્ટીનો મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
સરકાર અને જે-તે શહેરના સ્થાનિક તંત્રોએ કડક કાર્યવાહીનો ડોળ પણ કર્યો હતો.
પરંતુ, અમદાવાદના શહેરીજનોની સ્થિતિ ફાયર સેફ્ટી મામલે આજે પણ રામ ભરોસે હોય તેવી સ્થિતિ સામે આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે એટલી હદે કર્મચારીઓની જગ્યા ખાલી હોવાની વિગતો સામે આવી છે.
ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં છેલ્લાં દોઢ-બે દાયકામાં મોટો વધારો થયો છે. શહેરની વસતી વધી છે. બહુમાળી ઈમારતો અને ગીચ વિસ્તારો વધ્યા છે.
આ પ્રમાણે ફાયર બ્રિગેડનો સ્ટાફ અને મશિનરી પણ વધારવાની વાત તો દૂર રહી, જૂના મહેકમ અનુસાર પણ મ્યુનિ.ની ફાયર બ્રિગેડ પાસે પૂરતો સ્ટાફ નથી.
કર્મચારીઓ ભારે માનસિક તણાવમાં કામ કરવા મજબૂર
મળતી માહિતી મુજબ, ફાયર મેનની 102 જગ્યાઓ ખાલી છે. જ્યારે ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરની 58 જગ્યા ખાલી છે.
એટલે કે, ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતાં 160 કર્મચારીઓની અત્યારે ઘટ છે. આ સિવાય 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 3 સ્ટેશન ફાયર ઓફિસર, 10 સબ ફાયર ઓફિસર અને 1 લિડિંગ ફાયર મેનની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે.
એટલે કે, તંત્ર દ્વારા આ તમામ જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન આગ કે અકસ્માતની કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તેને પહોંચી વળવામાં ફાયર બ્રિગેડની હાલત કફોડી બની જાય છે.
શહેરીજનો પાસે નિયમના કડક પાલનનો આગ્રહ રાખતા અધિકારીઓ ફાયર બ્રિગેડને સજ્જ બનાવવામાં નિષ્ફળ નીવડયા છે. ફાયર બ્રિગેડમાં અપૂરતા સ્ટાફના કારણે કર્મચારીઓ ભારે માનસિક તણાવમાં કામ કરી રહ્યા છે. ત્યારે નવું મહેકમ તૈયાર કરવાની તસ્દી સત્તાધીશો દ્વારા લેવામાં આવી નથી.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh