ટ્રિપલ તલાકની તમામ એફઆઇઆર અને ચાર્જશીટના ડેટા આપો : સુપ્રીમ
– તેના ઉપયોગ બદલ સજા સામે 12 અરજીની સુનાવણી
– ટ્રિપલ તલાક રદ હોવાથી તેનો ઉપયોગ કરવાથી લગ્ન ભંગ ના ગણાય છતા સજાની જરૂર કેમ તેવો કેન્દ્રને સવાલ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૭માં મુસ્લિમ સમાજમાં ઉપયોગી ટ્રિપલ તલાક પ્રથાને રદ કરી હતી, જ્યારે સજા માટે કેન્દ્ર સરકાર કાયદો લાવી હતી છતા પણ દેશમાં ટ્રિપલ તલાકનો ઉપયોગ થયાના મામલા સામે આવતા હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક મુદ્દે અરજીઓની સુનાવણી દરમિયાન દેશભરમાં કેટલી એફઆઇઆર દાખલ થઇ તેમજ ચાર્જશીટ ફાઇલ કરાઇ તેના ડેટા કેન્દ્ર પાસેથી માગ્યા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે ટ્રિપલ તલાક રદ કરી દેવાયા છે, એવામાં લગ્નનો ભંગ તો થતો નથી તો પછી ટ્રિપલ તલાકનો ઉપયોગ કરનારાઓને સજા કેમ?
મુસ્લિમ મહિલા સંરક્ષણ અને અધિકાર કાયદા ૨૦૧૯ મુજબ ટ્રિપલ તલાકનો ઉપયોગ કરનારા પતિને ત્રણ વર્ષ સુધીની કેદની સજા થાય છે. આ જોગવાઇને પડકારતી ૧૨ જેટલી અરજી વિવિધ મુસ્લિમ સંગઠનો અને લોકો દ્વારા કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પાસેથી જવાબ માગ્યો હતો. અરજદારોની દલીલ છે કે હાલમાં દેશમાં ઘરેલુ હિંસાનો કાયદો છે એવામાં ટ્રિપલ તલાક માટે સજા આપવા અલગ કાયદાની કોઇ જરૂર નથી, આ પ્રકારનો કાયદો અન્ય ધર્મના લોકો માટે નથી. જો પત્ની સાથે ઘરેલુ હિંસા થાય છે તો તેવા કેસોમાં પણ ફરિયાદ દાખલ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગી જાય છે, જ્યારે ટ્રિપલ તલાકના કેસમાં માત્ર ત્રણ શબ્દોના ઉચ્ચારણ સાથે જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવે છે.
જ્યારે કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાએ સવાલ કર્યો હતો કે જ્યારે ટ્રિપલ તલાક પ્રથા જ રદ કરી દેવામાં આવી છે તેવા સંજોગોમાં સજાની જોગવાઇની શુ જરૂર છે? ટ્રિપલ તલાક પ્રથાને રદ કરી દેવામાં આવી હોવાથી તેનો કોઇ ઉપયોગ કરે તો પણ તેનાથી લગ્ન ભંગ થયા ના ગણાય. આવા સંજોગોમાં સજાની જરૂર કેમ? સજાના કાયદાને પડકારવાનો અર્થ એમ નથી થતો કે અરજદારો ટ્રિપલ તલાકનો બચાવ કરી રહ્યા છે. અમારે દેશભરમાં ટ્રિપલ તલાકને લઇને દાખલ ફરિયાદો અને ચાર્જશીટના ડેટા જોઇએ છે. અમને આવી તમામ ફરિયાદોની યાદી આપો, જેમાં ગ્રામીણ વિસ્તારોના કેસોનો પણ સમાવેશ કરવામાં આવે. હવે આ મામલે ૧૭મી માર્ચે વધુ સુનાવણી થશે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh