Explore

Search

July 8, 2025 5:13 pm

LATEST NEWS
Lifestyle

પોલીસ કામ ન કરતી હોય તો પગાર કેમ અપાય છે? જાહેર રોડ પર દબાણો મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

Facebook
Twitter
WhatsApp
Email
પોલીસ કામ ન કરતી હોય તો પગાર કેમ અપાય છે? જાહેર રોડ પર દબાણો મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ
WhatsApp Audio 2025-01-30 at 15.57.26
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં રખડતાં ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ઍડ્વૉકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને એએમસી સત્તાવાળાઓનો ઉધડો લઈ નાખ્યો હતો.
જસ્ટિસ એ. એસ. સુપહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે શહેરમાં જાહેર રસ્તાઓ પર લારી-ગલ્લાવાળા, પાથરણાંવાળા સહિતના દબાણો અને ટ્રાફિકની સર્જાયેલી વિકટ સમસ્યાને લઈ બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી.
‘પોલીસ પગાર મેળવવા છતાં કોઈ કામગીરી જ કરતી નથી’
ગુજરાત હાઇકોર્ટે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ સહિતના સત્તાધીશોને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, ‘પોલીસ મહેનતાણું (પગાર) મેળવતી હોવા છતાં કોઈ કામગીરી જ કરતી નથી અને મૂકપ્રેક્ષક બની તમાશો જોયા કરે છે. હાઇકોર્ટે આ કન્ટેમ્પ્ટ કેસમાં સત્તાધીશો વિરુદ્ધ કેમ ચાર્જ ફ્રેમ ના કરવો એટલે સુધીની ચીમકી ઉચ્ચારી હતી.
પોલીસ, એએમસી અને સરકારના સત્તાવાળાઓને હાઇકોર્ટે ફટકાર લગાવી 
છેવટે મુખ્ય સરકારી વકીલની વિનંતીને ધ્યાનમાં રાખી હાઇકોર્ટે ફરીવાર કામગીરીનો રિપોર્ટ રજૂ કરવાની તક આપી હતી. આગળની સુનાવણી છઠ્ઠી ફેબ્રુઆરીએ રાખી હતી. શહેરના માર્ગો પર દબાણ, ગેરકાયદે પાર્કિંગ, રખડતાં ઢોર સહિતના મુદ્દા પરની કન્ટેમ્પ્ટ પિટિશનમાં 28મી જાન્યુઆરીએ હાઇકોર્ટે ફરી એકવાર શહેર પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને સરકારના સત્તાવાળાઓને ફટકાર લગાવી હતી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ‘છેલ્લાં છ વર્ષથી આ મેટર ચાલે છે અને મેટરની સુનાવણી હોય ત્યારે સત્તાવાળાઓ દેખાડવા માટે કામ કરે છે. હવે જાણે સત્તાવાળાઓ રૂટીન આ કેસમાં કાનૂની સેવા સત્તામંડળ પાસેથી બે વખત રિપોર્ટ પણ મંગાવ્યા છે. શહેરમાં આજે એ હદે ગંભીર પરિસ્થિતિ છે કે, જાહેર રસ્તાઓ લારી-ગલ્લાવાળા, પાથરણાંવાળા અને કાયમી દબાણોએ કબજે કરી લીધા છે. લગભગ 50 ટકા રોડ તો આ લોકો કબજે કરી લે છે તો મુખ્ય રોડ છે ક્યાં..? વાહનો ચલાવવા માટે કે નાગરિકો માટે રોડ કે ફૂટપાથ ક્યાં બચે છે..? એક વખત દબાણો હટાવ્યા પછી પાછા ના આવે એ પ્રકારની આકરી અને પરિણામલક્ષી કામગીરી કરો.’
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, ‘અમે નજરે જોયું છે કે, જાહેર રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હોય તો પણ ટ્રાફિક પોલીસની જીપ ત્યાં જ હતી છતાં પોલીસ જવાને જીપમાંથી ઉતરવાની તસ્દી સુદ્ધાં લીધી નહીં. પોલીસ આંખો બંધ કરીને જાણે બેસી રહી છે તો અદાલત કસૂરવાર અધિકારીઓ વિરુદ્ધ કેમ ચાર્જ કેમ ના કરે. કારણ કે, પોલીસ હોય કે કૉર્પોરેશન ઉચ્ચ અધિકારીઓની એ જોવાની ફરજ છે કે, તેમના તાબાના અધિકારીઓ, કર્મચારીઓ કે જવાનો યોગ્ય અને અસરકારક રીતે ફરજ નિભાવી રહ્યા છે કે નહીં.’
આ દરમિયાન ઍડ્વૉકેટ અમિત પંચાલે અદાલતને જણાવ્યું કે, છેલ્લા છ-સાત વર્ષથી આ કેસની સુનાવણી ચાલે છે. અત્યાર સુધીમાં 102 સુનાવણીઓ અને 62 જેટલા હાઇકોર્ટ દ્વારા હુકમો કરાયા છે. છતાં સત્તાવાળાઓ દ્વારા તેનું અસરકારક પાલન કરાવાયું નથી. ઉલ્ટાનું ગેરકાયદે દબાણો, ગેરકાયદે પાર્કિંગ સહિત તમામ મુદ્દે હાઇકોર્ટના આદેશોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. તેથી હાઇકોર્ટે હવે કસૂરવાર અધિકારીઓ અને સત્તાવાળાઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરી અદાલતી તિરસ્કારની કાર્યવાહી આગળ ધપાવવી જોઈએ.’
રસ્તા પરના દબાણો, ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ 

હાઇકોર્ટે જણાવ્યું કે, હાઇકોર્ટની જુદી-જુદી બેન્ચ સમક્ષ મેટરની સુનાવણી નીકળે છે અને તે સમયે થોડીવાર કોર્ટને બતાવવા માટે કામગીરી દેખાડાય છે અને પછી બધું હતું એમ ને એમ થઈ જાય છે. આમ ક્યાં સુધી ચાલશે. કાયદો છે પરંતુ તેની અમલવારી નથી. રોંગ સાઇડ, ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફિક સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સુનાવણી વખતે થોડા સમય માટે તમે પાલન કરો છો, પરંતુ ત્યારબાદ સત્તાવાળાઓ કેમ નિષ્ક્રિય બની રહ્યા છે. ખરેખર તો કોર્ટમાં સુનાવણી ના હોય તો પણ કાયદાનું પાલન થવું જોઈએ.’
‘ભય બિના પ્રીતિ ના હોઈ…આકરા પગલાં લેવા જ પડે’
આ કેસમાં કોર્ટ સહાયક ભાસ્કર તન્નાએ જણાવ્યું હતું કે, ‘આ સમસ્યાઓનો એક જ ઉકેલ છે. ભય બિના પ્રીતિ ના હોઈ. કેમેરા સિસ્ટમ અને આકરા દંડની સિસ્ટમ સાથે આકરા પગલાં લેવા જ પડે. જેથી હાઇકોર્ટે આ બાબતે સંમતિ દર્શાવતા સત્તાવાળાઓને ટકોર કરી કે, જો તમે કાયદો તોડનારા તત્ત્વોને નાથી ના શકતા હોય તો તમારી ટૅક્નોલૉજી અને પ્રયાસો શું કામના? તમે ઑર્ડરના જથ્થાઓ તો જુઓ..સત્તાવાળાઓ કેમ હુકમનું પાલન કરતાં નથી. આ હાઇકોર્ટના હુકમનો સરેઆમ ભંગ અને અનાદર છે. અદાલત કસૂરવાર અધિકારીઓ વિરુદ્ધ ચાર્જ કેમ કરશે.’
પાર્કિંગ પોલિસી કે રોડ સેફ્ટી ઍક્ટનો પણ અમલ નથી 
હાઇકોર્ટે એ બાબતની પણ ગંભીર નોંધ લીધી કે, અમદાવાદ શહેરની 2021ની પાર્કિંગ પોલિસી કે ગુજરાત રોડ સેફ્ટી ઍકટ-2018નો પણ અસરકારક અમલ નથી. શહેરમાં દરેક જગ્યાએ ચાર રસ્તે, ફૂટપાથ પર અને જાહેર રસ્તાઓ પર ગેરકાયદે દબાણો અને અતિક્રમણના દૃશ્યો સામાન્ય બન્યા છે. છેલ્લા છ વર્ષથી કોર્ટ આશા રાખે છે કે, હુકમોનું પાલન થાય અને નાગરિકો સુરક્ષાનો અનુભવ કરે પરંતુ તેમ કરવામાં અને સ્થિતિને હન્ડલ કરવામાં સરકાર નિષ્ફળ છે.
જસ્ટિસ એ. એસ. સુપહિયાએ પોતાનો કડવો અનુભવ વર્ણવ્યો 
જસ્ટિસ એ. એસ. સુપહિયાએ પોતાનો એક કડવો અનુભવ વર્ણવતાં જણાવ્યું હતું કે, ‘રસ્તા કે ફૂટપાથ પરથી એક વખત દબાણો દૂર કર્યા પછી ત્યાં ને ત્યાં જ લોકો બેસી જાય છે અને દબાણો કરી દે છે. એક બ્રિજ બની રહ્યો હતો તે જંક્શન પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક ચક્કાજામ હતો એટલે તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા અને ત્યાં બાજુમાં ટ્રાફિક પોલીસની કેબીન હતી. ત્યાં જઈને જોયું તો, એક ટ્રાફિક જવાન કેબીનમાં મોબાઇલ જોઈ રહ્યો હતો, પરંતુ તેણે ટ્રાફિક ખુલ્લો કરવાની તસ્દી સુદ્ધાં લીધી નહોતી. ગ્રાઉન્ડ પર તમારા કોન્સ્ટેબલ અને જવાનો કામ કરતા નથી. જો તમે કાયદાનું અસરકારક પાલન કરાવી ના શકતા હોવ તો જો તેઓ તેમની ફરજ યોગ્ય રીતે બજાવતા ના હોય તો તેમને કેમ પગાર અપાય છે? ના હોય તો કોઈ એજન્સીને કામ સોંપી દો.’
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment