એએમસી ના આ કોમ્યુનિટી હોલમાં જતાં પહેલાં ચેતજો!
શાહપુરના હોલમાં સીડીનો ભાગ જર્જરિત, છતમાંથી પોપડાં પડેલાં, ફાયર સેફ્ટીનો અભાવ;
શું કોઇ દુર્ઘટનાની રાહ જોવાય છે?
લગ્નપ્રસંગની સિઝનમાં પાર્ટી પ્લોટ અને હોલના ભાડા ખૂબ મોંઘા થઈ જતા હોય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં લોકો બુકિંગ કરાવતા હોય છે, પરંતુ જૂના હોલ જર્જરિત થઈ ગયા હોવા છતાં પણ તેને રિનોવેશન કરવામાં આવતાં નથી.
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્વ. ડો. વાસુદેવ ત્રિપાઠી હોલ અત્યંત જર્જરિત હાલતમાં છે છતાં પણ લોકો પોતાનો પ્રસંગ ઊજવવા આ હોલનું બુકિંગ કરાવી રહ્યા છે અને જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
મ્યુનિ. હોલમાં છતથી લઈને સીડી તેમજ બહારનો ભાગ ખૂબ ખરાબ થઈ ગયો છે તેમ છતાં પણ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી.
દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા હોલનું નવીનીકરણ કરવા માટે બે વખત રજૂઆત કરી હોવા છતાં પણ આ હોલનું રિનોવેશન કરવામાં આવ્યું નથી.
વધુ માણસો આવે તો સીડી તૂટીને પડે એવી સ્થિતિ
શાહપુર મેટ્રો સ્ટેશન નજીક આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વ. ડો. વાસુદેવ ત્રિપાઠી હોલમાં રૂબરૂ તપાસ કરી હતી. હોલમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને પહેલા માળ અને ધાબા સુધી જઈને તપાસ કરી તો ઠેર-ઠેર પોપડાં પડેલાં હતાં અને છત તૂટેલી જોવા મળી હતી. તેમજ સીડીનો ભાગ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. જો ખૂબ વધારે સંખ્યામાં લોકો આવે તો સીડી પણ તૂટીને પડે તેવી સ્થિતિમાં જોવા મળી રહી હતી.
દીવાલ તૂટેલી હાલતમાં અને છત ઉપર પોપડાં પડેલાં
સૌપ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર પર હોલમાં પ્રવેશ કરતાંની સાથે જ આગળના ભાગે જમણી બાજુ રસોડું આવેલું છે જે રસોડામાં તપાસ કરતા ક્યાંય સફાઈ અને સ્વચ્છતા જોવા મળી નહોતી. જે સ્થળ ઉપર લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં રસોઈ બનાવવાની હોય ત્યાં આગ અકસ્માતની સંભાવના રહેલી છે છતાં પણ કોઈ ફાયરનાં સાધનો મૂકેલાં જોવા મળ્યાં નહોતાં. નીચેના ભાગે ડાબી તરફ ખુલ્લો ભાગ આવેલો છે ત્યાં દીવાલ તૂટેલી હાલતમાં હતી અને છત ઉપર જોતા પોપડા પડેલા હતા. પ્રથમ માળ ઉપર જવાની સીડી જોતાની સાથે જ એવું લાગે કે જો પહેલા માળે જવા માટે એકસાથે 100 લોકો ઉપર આવી જાય તો કદાચ સીડી પણ પડીને નીચે આવી જાય.
એક અઠવાડિયા પહેલાં જ દુર્ઘટના થતાં બચી
પ્રથમ માળે આવેલા હોલમાં જ્યારે પહોંચ્યા ત્યારે છત તૂટેલી જોવા મળી હતી. ત્રણથી ચાર જગ્યાએ છતનો ભાગ તૂટેલો હતો અને એક જગ્યાએ તો લાકડાથી મારેલા પાર્ટિશન પણ નીચે આવી ગયાં હતાં. લોકો જે છત તૂટેલી છે તેની નીચે બેસવા માટે મજબૂર થયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ઠેર-ઠેર છત તૂટેલી હાલતમાં અને અલગ અલગ જગ્યાએ દીવાલો તૂટેલી જોવા મળી હતી. સાત વર્ષ પહેલાં હોલને રિનોવેશન કરાયો હતો, પરંતુ ત્યાર બાદ હોલમાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. એક અઠવાડિયા પહેલાં જ એક લગ્ન પ્રસંગના રિસેપ્શન દરમિયાન છત ઉપરથી પોપડા પડ્યા હતા અને સદનસીબે ત્યાં કોઈ હાજર નહોતું જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. લોકો ભાડું ચૂકવીને હોલ પર આવતા હોય છે પરંતુ યોગ્ય સુવિધા મળતી નથી.
હોલમાં ફાયર સેફ્ટીનો પણ અભાવ
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાહપુરના સ્વ. વાસુદેવ ત્રિપાઠી હોલમાં પ્રથમ માળે જે હોલ આવેલો છે ત્યાં ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળ્યો હતો. પ્રથમ માળે આવેલા હોલમાં માત્ર બે જેટલા ફાયર એક્સટિંગ્વિશર લગાવેલા હતા. જેમાં ક્યાંય પણ રિલીફ કરવાની છેલ્લી તારીખ લખેલી નહોતી. હોલમાં જ્યાં રસોઈ બનાવવાની હોય એવા રસોડામાં પણ ક્યાંય ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવામાં આવેલાં નહોતાં. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ હોલ અત્યંત જર્જરિત હાલતમાં અને લોકો માટે જોખમકારક હોવા છતાં પણ હોલનું રિનોવેશન કરવામાં આવતું નથી અને લોકોને પ્રસંગ માટે ભાડે આપવામાં આવી રહ્યો છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh