ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર , જાણો પળ પળની ખબરો
શારીરિક શોષણના આરોપી અમેરિકાના સંરક્ષણ મંત્રી બનશે, જાણો ટ્રમ્પે કોને સોંપી છે કમાન
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેઓ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. હવે તેમણે અમેરિકન સેનેટ પીટ હેગસેથને સંરક્ષણ મંત્રી તરીકે પસંદ કરીને સૌને ચોંકાવી દીધા છે. કેમ કે પીટ અનેકવાર વિવાદોમાં રહ્યા છે અને તેમના પર એક મહિલાએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આ મામલો જાહેરમાં આવ્યો તો તેમણે 50 હજાર અમેરિકન ડૉલર ચૂકવીને તેનું મોઢું બંધ કરાવી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે શનિવારે અમેરિકન સેનેટમાં પીટ હેગસેથને સંરક્ષણ મંત્રી બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેના માટે વૉટિંગ પણ કરવામાં આવ્યું હતું જે દરમિયાન તેમના હરીફ અને તેમને 50-50 વૉટ મળ્યા હતા. જોકે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે નિર્ણાયક વૉટ આપીને પીટ હેગસેથનો સંરક્ષણ મંત્રી બનવાનો માર્ગ મોકળો કર્યો હતો.
હેગસેથ પૂર્વમાં ફોક્સ ન્યૂઝના હોસ્ટ અને નેશનલ ગાર્ડના દિગ્ગજ રહી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમને નવેમ્બરમાં સુરક્ષા વિભાગનું નેતૃત્ત્વ કરવા માટે નોમિનેટ કર્યા હતા. હેગસેથ પર બે વેટરન્સ સંગઠનોમાં શારીરિક શોષણ અને નાણાકીય ગેરવહીવટના આરોપ લાગ્યા હતા.
હેગસેથે આ આરોપોનું જોરદાર ખંડન કર્યું અને આ મહિનાની શરૂઆતમાં સેનેટ સશસ્ત્ર સેવા સમિતિને કહ્યું હતું કે ‘હું પોતાની ગત ભૂલોથી શીખ્યો છું. હું એક પરફેક્ટ વ્યક્તિ નથી પરંતુ ઉદ્ધાર સંભવ છે. હું પેન્ટાગોનના યુદ્ધ લડવાના સિદ્ધાંતને ફરીથી શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છું.’
50000 ડોલરની ચૂકવણી
પીટ હેગસેથે 2017માં શારીરિક શોષણના આરોપ લગાવનારી મહિલાને 50,000 ડોલરની ચૂકવણી કરી હતી. તેમણે એક સેનેટરને આપવામાં આવેલા જવાબોમાં પોતે આનો ખુલાસો કર્યો. આ લેખિત જવાબ મેસાચુસેટ્સની ડેમોક્રેટિક સેનેટર એલિઝાબેથ વોરેનને આપવામાં આવ્યો હતો.
હેગસેથના વકીલ ટિમોથી પાર્લાટોરેએ ગુરુવારે આ રકમ પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો. જોકે, નવેમ્બરમાં પાર્લાટોરેએ પુષ્ટિ કરી હતી કે આ કરાર ચૂકવણી કરવામાં આવી હતી અને હેગસેથે ગત અઠવાડિયે પોતાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મારા વિરુદ્ધ ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા.
સરકાર બનતા જ ટ્રમ્પ અને મસ્કના સંબંધોમાં તિરાડ? 500 અબજ ડોલરના AI પ્રોજેક્ટ પર વિવાદ
વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન ઇલોન મસ્ક અને વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતાની વાતો છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના ખૂણે-ખૂણે સાંભળવા મળી રહી છે. પરંતુ અચાનક એક પ્રોજેક્ટની જાહેરાત સાથે બંને વચ્ચે અણબનાવ સર્જાતો જોવા મળે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં અમેરિકાને સૌથી આગળ રાખવા માટે સ્ટારગેટ AI પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
સ્ટારગેટ AI પ્રોજેક્ટમાં ઇલોન મસ્કને નથી રસ
જેમાં અમેરિકાના ટેક બિઝનેસમેન ઇલોન મસ્કને સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે લાગી રહ્યું છે કે તેમને આ પ્રોજેક્ટમાં રસ નથી. તેણે આ પ્રોજેક્ટ સામે ખુલ્લેઆમ નારાજગી પણ વ્યક્ત કરી છે. આથી એવું લાગી રહ્યું છે કે આ પ્રોજેક્ટ ઠપ થઈ જશે. આ સાથે ટ્રમ્પ અને મસ્કના સંબંધોમાં પણ તિરાડ જોવા મળી શકે છે. એવામાં જાણીએ શું છે આખો મામલો…
ટ્રમ્પનું 500 અબજ ડોલરનું સપનું
ગયા મંગળવારે, દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક હાઇ-પ્રોફાઇલ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે છે. આ પ્રોજેક્ટનું બજેટ લગભગ 500 બિલિયન ડોલર નક્કી કરવામાં આવ્યું છે. જેના હેઠળ તેમનું સપનું અમેરિકાને AIમાં વિશ્વમાં સૌથી આગળ રાખવાનું છે.
‘સ્ટારગેટ’ પ્રોજેક્ટની મદદથી 100,000 થી વધુ નોકરીઓ ઉત્પન્ન થવાનો દાવો
આ પ્રોજેક્ટને ‘સ્ટારગેટ’ નામ આપવામાં આવ્યું છે. જેના કારણે 100,000 થી વધુ નોકરીઓ ઉત્પન્ન થવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ટેકનિકલ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવામાં પણ મદદ કરશે. આ પ્રોજેક્ટની જાહેરાત ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આ પ્રોજેક્ટ વિવાદમાં પરિણમ્યો હતો.
કોણે-કોણે ઇનવેસ્ટ કર્યા પૈસા?
આ પ્રોજેક્ટમાં સોફ્ટબૅન્ક, ઓરેકલ, અને MGX દ્વારા ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં હાલમાં 100 બિલિયન ડૉલરના ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યા છે. સોફ્ટબૅન્ક દ્વારા ઇનવેસ્ટમેન્ટ જોવામાં આવી રહ્યું છે, અને Open AI આ પ્રોજેક્ટનું ઓપરેશન સંભાળશે. ચેરમેન માસાયોશી સોન દ્વારા આ પ્રોજેક્ટનું નિયંત્રણ રાખવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અન્ય મહત્ત્વના પાર્ટનર ARM, માઇક્રોસોફ્ટ, NVIDIA પણ છે.
મસ્કે આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો
મસ્કે મંગળવારે X પરની પોસ્ટમાં લખ્યું, મારી પાસે ખરેખર પૈસા નથી. સોફ્ટબેંકે $10 બિલિયનથી ઓછાની કમાણી કરી છે. મને એક સારા સ્ત્રોતમાંથી આ વિશે માહિતી મળી છે.
ઓલ્ટમેને બુધવારે X પોસ્ટમાં મસ્ક પર વળતો પ્રહાર કર્યો. મસ્કના આરોપના જવાબમાં કે, આ ખોટી માહિતી છે અને તમે ચોક્કસપણે તે જાણો છો. સ્ટારગેટ દેશ માટે ખૂબ જ સારું છે. મને ખ્યાલ છે કે દેશ માટે જે સારું છે તે હંમેશા તમારી કંપનીઓ જે ઇચ્છે છે તેના અનુરૂપ ન હોય, પરંતુ તમને મળેલી નવી જવાબદારી સાથે, હું આશા રાખું છું કે તમે ઓપનએઆઈની જેમ, XAI પણ તેના પોતાના AI સિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહ્યું છે.
આ મામલે ટ્રમ્પની પ્રતિક્રિયા
મસ્કની ટીકાઓના જવાબમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ‘મને ખબર નથી કે તેઓ કરે છે કે નહીં, પરંતુ તમે જાણો છો, તેઓ નાણાંનું રોકાણ કરી રહ્યા છે.’ સરકાર નહિ પરંતુ તેઓ રોકાણ કરી રહ્યા છે. તેઓ ખૂબ જ અમીર લોકો છે. આથી મને આશા છે કે તેઓ રોકાણ કરશે.’ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, મસ્કનો ગુસ્સો કદાચ અંગત દુશ્મનીના કારણે છે. તેણે કહ્યું કે તેનાથી મને કોઈ ફરક નથી પડતો… આ ડીલમાં સામેલ તમામ લોકો ખૂબ જ સ્માર્ટ છે.
શું પ્રોજેક્ટ અટકશે?
ભલે ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલાનો ઉકેલ લાવવાનો અને તેને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઇલોન મસ્ક તરફથી જે પ્રકારની વાતો થઇ રહી છે, જે જોઇને આ પ્રોજેક્ટ ફ્લોર પર આવવાની કોઈ શક્યતા નથી. ટ્રમ્પ એ પણ જાણે છે કે આ પ્રોજેક્ટ માટે જરૂરી 500 બિલિયન ડોલરનું ભંડોળ ઇલોન મસ્ક વિના પૂરું થઈ શકે નહીં. આવી સ્થિતિમાં, ઇલોન મસ્કને ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ બેલેન્સમાં અટકી શકે છે. જો ટ્રમ્પ આ પ્રોજેક્ટને મસ્ક વિના આગળ લઈ જાય છે, તો તે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી શકે છે.
૧૫૦૦ સૈનિક, ટેન્ક અને હેલિકોપ્ટર… યુદ્ધ નહીં ઘૂસણખોરી રોકવા ટ્રમ્પ સરકારની મેક્સિકો સરહદે કિલ્લેબંધી
ગેરકાયદેસર ઘૂસણખોરીને રોકવા માટે અમેરિકાએ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ પર 1500 સૈનિકો તૈનાત કર્યા છે.
તેમાં 500 મરીન કોર્પ્સની સાથે 1000 સૈનિકો સામેલ છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે.
The US Marine Corps Is On The Border Assisting CBP With The Mission To Secure America
Promise Made –> Promise KEPT! pic.twitter.com/t384DH1FDl
— The White House (@WhiteHouse) January 24, 2025
X પર વ્હાઈટ હાઉસે કરી પોસ્ટ
આ સાથે X પોસ્ટમાં લખ્યું છે કે, “યુએસ મરીન કોર્પ્સ સરહદે અમેરિકાની સુરક્ષાના મિશનમાં સીબીપી (કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન) ની મદદ કરી રહ્યા છે અને ખાસ એ કે વાયદો કર્યો અને વાયદો પૂર્ણ થયો.
ટ્રમ્પે વાયદો પૂર્ણ કર્યો
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે 22 જાન્યુઆરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાના 36 કલાકની અંદર 500 મરીન કોર્પ્સ અને 1000 સૈનિકોને દક્ષિણ સરહદ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ પછીના પહેલા સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો સાથેની સરહદ પર ઈમરજન્સી જાહેર કરી હતી. તેમણે તાત્કાલિક સરહદ પર સેના મોકલવાનો આદેશ જારી કર્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની દિશામાં ટ્રમ્પનું મોટું પગલું, યુક્રેનને અમેરિકન મદદ બંધ કરવાનું એલાન
અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે યુક્રેનને આપવામાં આવતી સહાય બંધ કરવાની જાહેરાત કરી રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલતા યુદ્ધનો અંત લાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ટ્રમ્પનો આ નિર્ણય યુક્રેન માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે, કારણ કે આ પહેલા બાઈડેન સરકાર રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને ઘણી મદદ કરી રહી હતી, જેમાં અબજો ડોલરના શસ્ત્રો પણ સામેલ હતા.
ટ્રમ્પે લીધો વધુ એક મોટો નિર્ણય
એટલું જ નહીં ટ્રમ્પ સરકારે અમેરિકા દ્વારા અન્ય દેશોને આપવામાં આવતી સહાય પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ઇઝરાયલ અને ઇજિપ્તનો તેમાં સમાવેશ નથી, એટલે કે આ દેશોને અમેરિકા તરફથી મદદ મળતી રહેશે. આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને અનુરૂપ છે, જે વિદેશમાં સહાયને સખત રીતે પ્રતિબંધિત કરે છે.
અમેરિકાની મદદને કારણે જ યુક્રેન યુદ્ધમાં ટકી શક્યું
આ આદેશથી વિકાસથી લઈને લશ્કરી સહાય સુધીની ઘણી બાબતોને અસર થશે તેવી અપેક્ષા છે. જો બાયડેનના કાર્યકાળ દરમિયાન યુક્રેનને રશિયાનો સામનો કરવા માટે અબજો ડોલરના શસ્ત્રો મળ્યા હતા. અમેરિકન મદદને કારણે, યુક્રેન ઘણા દિવસોથી યુદ્ધમાં ટકી રહ્યું છે. અમેરિકાએ 2023 માં યુક્રેનને 64 બિલિયન ડૉલરથી વધુની સહાય પૂરી પાડી હતી. ગયા વર્ષે કેટલી સહાય આપવામાં આવી હતી તેની માહિતી આ અહેવાલમાં આપવામાં આવી નથી.
ટ્રમ્પના નિર્ણયથી ખળભળાટ
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે 85 દિવસની અંદર તમામ વિદેશી સહાયની આંતરિક સમીક્ષાનો આદેશ આપવામાં આવ્યો છે. ટ્રમ્પે અમેરિકાનો કાર્યભાર સંભાળતાની સાથે જ આખી દુનિયામાં અરાજકતા ફેલાઈ છે. ટ્રમ્પ એક પછી એક જે નિર્ણયો લઈ રહ્યા છે તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેમના આ કઠિન અને મોટા નિર્ણયથી આખી દુનિયા ચોંકી ગઈ છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh