ટ્રમ્પ સરકાર એક્શન મોડમાં , જાણો પળ પળની ખબરો
ટ્રમ્પ સરકારની એક્શન શરૂ, અમેરિકામાં 500 ઘૂસણખોરો પકડાતાં વિમાનમાં બેસાડી દેશબહાર છોડ્યાં

ટ્રમ્પની નવી સરકાર બનતાની સાથે જ એક્શનમાં આવી ગઈ છે. માહિતી પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ આ અંગે કાર્યવાહી ઝડપી કરી છે.
538 લોકોને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે, હાલમાં ધરપકડ કરવામાં આવેલા 538 લોકોને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેમને એક લશ્કરી વિમાનમાં બેસાડીને દેશ બહાર છોડવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસેલા પ્રવાસીને બહાર કાઢવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ કાયદામાં જણાવાયું છે કે, છેલ્લા 4 વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો ધસારો વધ્યો છે. આ લોકોને બહાર કાઢવાની જરૂર છે, જેથી અમેરિકન સંસાધનોનો ઉપયોગ અહીંના લોકો માટે કરી શકાય.
🚨DAILY IMMIGRATION ENFORCEMENT REPORTING FROM ICE🚨
538 Total Arrests
373 Detainers Lodged
Examples of the criminals arrested below 🔽🔽🔽
— The White House (@WhiteHouse) January 24, 2025
અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન કરીને આવ્યા છે
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘લાખો પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે સરહદમાંથી ઘુસ્યા છે. આ લોકો સીધા ફ્લાઇટ દ્વારા આવ્યા છે અથવા કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા ઘુસ્યા છે. અને હવે તેઓ અમેરિકાના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ લોકો અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન કરીને આવ્યા છે.’ આદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘આવા લોકોને અમેરિકાની સુરક્ષા માટે ખતરો તરીકે ગણવામાં આવ્યા છે. એટલે કે, આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી માટે ખતરો બની ગયા છે. આ ઉપરાંત નિર્દોષ અમેરિકનો તેમના દ્વારા કરવામાં આવેલા ગુનાઓનો ભોગ બની રહ્યા છે.’
યુએસ કોંગ્રેસે લેકન રાયલી એક્ટને મંજૂરી આપી દીધી છે
નોંધનીય છે કે, ગત 23 જાન્યુઆરીએ જ યુએસ કોંગ્રેસે લેકન રાયલી એક્ટને મંજૂરી આપી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું છે છે કે, ખોટા દસ્તાવેજો સાથે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા જોઈએ.
USAમાં કડકાઇ: રિટર્ન ટિકિટ ના હોય તેવા ભારતીય માતા-પિતાને એરપોર્ટથી જ પરત મોકલાયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે ખૂબ જ કડક છે અને તેના કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હલચલ વધી છે. ઈમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારો વચ્ચે અમેરિકામાં રહેતો ભારતીય સમુદાય પણ ચિંતિત છે. એવામાં હવે અમેરિકાના એક એરપોર્ટ પરથી ભારતીયોને પ્રવેશ નકારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમેરિકામાં રહેતા એક વ્યક્તિના ભારતીય માતા-પિતા પાસે રિટર્ન ટિકિટ ન હોવાથી પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
ભારતીય દંપતીને નેવાર્ક એરપોર્ટથી જ પાછું મોકલામાં આવ્યું
એક મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકામાં પોતાના બાળકોને મળવા ગયેલા ભારતીય માતા-પિતાને નેવાર્ક એરપોર્ટ પર એન્ટ્રી આપવામાં આવી ન હતી. આ કપલ પાસે B-1/B-2 વિઝિટર હતુ અને તેના આધારે તેઓએ પાંચ મહિના અમેરિકામાં રહેવાની યોજના બનાવી હતી. જો કે, એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કહ્યું કે નવા નિયમો હેઠળ હવે અહીં રહેવા માટે તેમની રિટર્ન ટિકિટ બતાવવી ફરજિયાત છે. એરપોર્ટના અધિકારીઓએ તમામ અરજીઓ અને ખુલાસાઓને નકારી કાઢ્યા હતા અને માતાપિતાને એરપોર્ટથી સીધા ભારત પાછા મોકલી દીધા હતા.
અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો
આવા નિયમોની સત્તાવાર જાહેરાતના અભાવે લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. અમેરિકી અધિકારીઓએ ભારતીયોને પરત મોકલવા માટે 2025ના નવા નિયમોને ટાંક્યા છે. જો કે, આ ફેરફારો વિશે અગાઉ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આવી ઘટના અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો કરી શકે છે. એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે ટ્રમ્પની નીતિઓને લાગુ કરવા માટે આવનાર દિવસોમાં અમેરિકા આવા અનેક અણધાર્યા પગલા લઇ શકે છે.
અમેરિકાનું બંધારણ બદલશે ટ્રમ્પ, પુતિનની જેમ લાંબા સમય સુધી રહેવા માંગે છે રાષ્ટ્રપ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. યુએસ બંધારણ હેઠળ, વ્યક્તિ ફક્ત બે વાર રાષ્ટ્રપતિ બની શકે છે અને માત્ર બે ટર્મ માટે સેવા આપી શકે છે. પરંતુ ટ્રમ્પે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી છે, તો જ ટ્રમ્પ ત્રીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકશે.એવામાં હવે મળતી જાણકારી મુજબ અમેરિકામાં હવે બંધારણમાં સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે. આ સુધારા સાથે અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 3 ટર્મનો રહેશે.
ટ્રમ્પ અમેરિકાના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકે તે માટે અમેરિકાની સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના એક સાંસદે યુએસ કોંગ્રેસમાં સંયુક્ત ગૃહ ઠરાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ દ્વારા અમેરિકી બંધારણમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. જેના સંશોધન હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યકાળ ત્રણ ટર્મનો થઈ શકે છે.
દેશને ટ્રમ્પની જરૂર છે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનાવવાના હેતુથી આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે અને આ ઈરાદો ખુદ સાંસદ એન્ડી ઓગલ્સે વ્યક્ત કર્યો હતો. સાંસદે કહ્યું, ‘આ સુધારા પછી ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકશે અને દેશને એક મજબૂત નેતૃત્વની ખાતરી મળશે, જેની આપણા દેશને ખૂબ જ જરૂર છે.’
આ અંગે ઓગલ્સે વધુમાં કહ્યું કે, ‘ટ્રમ્પે આધુનિક ઈતિહાસમાં પોતાની જાતને એક માત્ર એવા વ્યક્તિ તરીકે સાબિત કરી છે જે આપણા દેશના પતનને પલટાવવા અને અમેરિકાને મહાનતા તરફ પાછા લાવવા માટે સક્ષમ છે, તેમને તે ધ્યેય પૂરો કરવા માટે જરૂરી સમય આપવો જોઈએ.’
કોઈ વ્યક્તિ બે વખતથી વધુ રાષ્ટ્રપતિ પદ પર રહી શકે નહીં
નવા રજૂ કરેલા ઠરાવ અનુસાર, કોઈપણ વ્યક્તિ ત્રણ વખતથી વધુ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકશે નહીં, પરંતુ સતત બે ટર્મ માટે ચૂંટાયા પછી, કોઈપણ નેતા ત્રીજી ટર્મ માટે દાવો કરી શકશે નહીં.’ તે જ સમયે, કોઈપણ વ્યક્તિ કે જેણે રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો હોય અથવા 2 વર્ષથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હોય તે બે વખતથી વધુ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકશે નહીં.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓએ ધડાધડ પાર્ટ ટાઇમ કામ છોડી રહ્યા છે! જાણો શું છે ડર

અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ વધારાની આવક મેળવવા માટે કૉલેજ પછી પાર્ટ ટાઇમ જોબ પણ કરે છે. પરંતુ હવે દેશનિકાલના ડરથી તેણે પોતાનું કામ છોડી દીધું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે આવી પાર્ટ ટાઇમ નોકરીઓ યુએસમાં ટકી રહેવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે અમેરિકન કૉલેજમાં સીટ મેળવવા માટે મોટી ફી ચૂકવી હોય, પણ હવે તેના માટે અમે અમારું ભવિષ્ય જોખમમાં મૂકી શકતા નથી.
માત્ર 20 કલાક કામ કરવાની પરવાનગી
યુએસ રેગ્યુલેશન F-1 વિઝા પરના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેમ્પસમાં અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરવાની મંજૂરી આપે છે. જો કે, ઘણા વિદ્યાર્થીઓ ભાડું, કરિયાણા અને અન્ય ખર્ચાઓને આવરી લેવા માટે રેસ્ટોરન્ટ્સ, ગેસ સ્ટેશન અથવા છૂટક સ્ટોર્સમાં કેમ્પસની બહાર અને ડૉક્યુમેન્ટ્સ વગર કામ કરે છે.
હવે, નવા વહીવટીતંત્ર દ્વારા નવી ઇમિગ્રેશન નીતિઓને કડક બનાવવા અને કડક નિયમો લાગુ કરવાના સંકેતો સાથે, વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને જોખમમાં મૂકવા માટે તૈયાર નથી. વિદ્યાર્થીઓને દેશનિકાલનો ભય સતાવી રહ્યો છે. આથી તેઓ આવી નોકરીઓ છોડી રહ્યા છે.
હાલ વિદ્યાર્થીઓ બચત પર આધારિત
વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ થોડા મહિનાઓ પછી પરિસ્થિતિનું પુન: મૂલ્યાંકન કરશે અને પછી નક્કી કરશે કે કામ ફરી શરુ કરવું કે નહીં. આ દરમિયાન, તેઓ તેમના ખર્ચાઓને પહોંચી વળવા માટે તેમની બચત અથવા ભારતમાં તેમના મિત્રો અને પરિવાર પાસેથી ઉધાર લેવા પર આધાર રાખે છે. આ અનિશ્ચિતતાએ માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને પણ જન્મ આપ્યો છે અને કેટલાક વિદ્યાર્થીઓ નાણાકીય અને ભાવનાત્મક તણાવ અનુભવી રહ્યા છે.
બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના આદેશ પર કોર્ટનો સ્ટે, પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પને મોટો ઝટકો

અમેરિકાની એક કોર્ટે નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો આપતાં બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના તેમના આદેશ પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ બનતાં જ ટ્રમ્પે આદેશને લગતા એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં અમેરિકામાં લાખો લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ટ્રમ્પે શું આદેશ આપ્યો હતો?
ઉલ્લેખનીય છે કે નવા પ્રમુખ ટ્રમ્પના આદેશ અનુસાર આગામી મહિનાથી એવા લોકોની અમેરિકન નાગરિકતા છીનવાઈ જવાનો ડર હતો કે જેમની પાસે માતા-પિતા અમેરિકન ન હોવા છતાં તેમની પાસે અમેરિકન નાગરિકતા છે. જોકે કોર્ટે ટ્રમ્પના આદેશને સ્પષ્ટરૂપે ગેરબંધારણીય ગણાવી દેતાં તેના પર સ્ટે આપી દીધો હતો.
કોર્ટે શું કહ્યું ચુકાદામાં?
બર્થરાઈટ સિટીઝનશિપ અંગે ટ્રમ્પના ચુકાદા વિરુદ્ધ ડેમોક્રેટ્સના નેતૃત્વ હેઠળના ચાર રાજ્યોએ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુનાવણી બાદ અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જોન કોફરને ટ્રમ્પને આ આદેશને લાગુ કરતા અટકાવી દીધા છે. કોર્ટે કહ્યું કે ટ્રમ્પના આ ફરમાન પર અસ્થાયીરૂપે રોક લગાવવામાં આવી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી કોને અસર થવાની હતી?
ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ 20 ફેબ્રુઆરીથી અમલમાં આવવાનો હતો. તેમના આદેશથી એવા લોકોને અસર થઇ હોત જેમની પાસે ‘ગેરકાયદેસર’ અમેરિકન નાગરિકતા હતી. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પડકારતી ડેમોક્રેટિક નેતૃત્વવાળા રાજ્યો અને નાગરિક અધિકાર જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ફેડરલ ન્યાયાધીશે આ ચુકાદો આપ્યો હતો. સોમવારે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન એજન્સીઓને આદેશ આપ્યો હતો કે જે બાળકોના માતા કે પિતા અમેરિકન નાગરિક નથી તેમની નાગરિકતા સ્વીકારવામાં ન આવે.
‘અમેરિકામાં ઉત્પાદન કરો નહીંતર જંગી ટેરિફ માટે તૈયાર રહો…’ ટ્રમ્પની ચેતવણીથી કંપનીઓમાં ફફડાટ
ઈતિહાસનો સૌથી મોટો ટેક્સ કટ જાહેર કરી પ્રજાને રાહત આપવાની ટ્રમ્પની તૈયારી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં પહેલી વખત સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ પરથી ફરી એક વખત દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી છે. આ સાથે ટ્રમ્પે કહ્યું કે, સાઉદી અરબ અને ઓપેક દેશો ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો કરે તો રશિયા અને યુક્રેન યુદ્ધ તાત્કાલિક બંધ થઈ જશે. ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો ટેક્સ કટ જાહેર કરી પ્રજાને રાહત આપવાના સંકેતો આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન કરીને જ જંગી ટેરિફથી બચી શકશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પ્રમુખપદના શપથ લીધાના બે દિવસ બાદ ગુરુવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં ટ્રમ્પે વિશ્વના ઉદ્યોગોને અમેરિકામાં ઉત્પાદન કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે, અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે અને સંપૂર્ણ વિશ્વ ટૂંક સમયમાં વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બની જશે.
ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ તેમના બીજા કાર્યકાળના શપથ લીધા તે જ દિવસે યોગાનુયોગ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની પાંચ દિવસની વાર્ષિક બેઠક શરૂ થઈ હતી. શપથગ્રહણના દિવસે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી નીકળી જવાના અને પેરિસ કરાર રદ કરી દેવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પાસે કોઈપણ દેશ કરતાં વધુ ક્રૂડ ઓઈલ છે અને અમે તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. મેં સાઉદી અરબ અને ઓપેક દેશોને ક્રૂડ ઓઈલની કિંમતો ઘટાડવા માટે વિનંતી કરી છે. તેમણે દાવો કર્યો કે ક્રૂડના ભાવ ઘટી જાય તો રશિયા-યુક્રેન યુદ્ધ તાત્કાલિક અસરથી બંધ થઈ જશે.
સાઉદી અરબના ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન સલમાને આગામી ચાર વર્ષમાં અમેરિકામાં 600 અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કર્યાના કલાકોમાં જ ટ્રમ્પે સાઉદી અરબને અમેરિકામાં તેનું રોકાણ એક લાખ કરોડ ડોલર સુધી લઈ જવા વિનંતી કરી હતી. ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કર્યા પછી અમેરિકામાં રોકાણ અંગે ઈચ્છા વ્યક્ત કરી હતી.
દરમિયાન ટ્રમ્પે વૈશ્વિક આર્થિક મંચ પરથી દુનિયાભરના ઉદ્યોગપતિઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેઓ તેમના ઉત્પાદન એકમો અમેરિકામાં શરૂ કરે. અન્યથા ટેરિફમાં જંગી વધારાનો સામનો કરવા માટે તૈયાર રહે. અમે કંપનીઓને દુનિયામાં કોઈપણ દેશની સરખામણીમાં સૌથી ઓછા ટેક્સની સુવિધા આપીશું.
ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે. અમારો દેશ વધુ મજબૂત અને વધુ ધનવાન બનશે. સંપૂર્ણ પૃથ્વી વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનશે. મારું વહીવટીતંત્ર છેલ્લા ચાર વર્ષમાં અયોગ્ય અને નકામા લોકો પાસેથી વારસામાં મળેલી આફતોને સુધારવા અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહ્યું છે. અગાઉની સરકાર ચાર વર્ષમાં જે ના કરી શકી તે અમે માત્ર ત્રણ જ દિવસમાં કરી નાંખ્યું. અમેરિકન પ્રમુખે જણાવ્યું કે, આખા વિશ્વમાં ખાદ્ય કિંમતો આકાશને આંબી રહી છે અને હું અમેરિકામાં તાત્કાલિક ફુગાવો નિયંત્રણમાં લાવવા માટે કામ કરીશ. હું અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો ટેક્સ કટ જાહેર કરીને પ્રજાને રાહત આપીશ. હું પ્રત્યેક નવા નિયમો સાથે ૧૦ જૂના નિયમો રદ કરવાનું વચન આપું છું.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh

