ગુજરાત સરકાર સસ્તામાં લઇ જશે મહાકુંભ! જીએસઆરટીસી શરૂ કરશે અમદાવાદથી પ્રયાગરાજની વોલ્વો બસ, જાણો પેકેજ અને ભાડુ
ગુજરાતીઓ પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રયાગરાજ : મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. જેને માણવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જોકે, આ ટ્રેન ફૂલ જઈ રહી છે. એરલાઇન્સ દ્વારા પણ પ્રયાગરાજ માટે ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે. ફ્લાઇટના ભાડા ડબલથી પણ વધુ થઈ ગયા છે. ત્યારે ગુજરાતથી જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાગરાજ માટે વિશેષ બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે.
એસી વોલ્વો બસની વ્યવસ્થા
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું છે કે, “પવિત્ર મહાકુંભ માટે કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે. પ્રયાગરાજમાં અસ્થાયી ડૂબકી મારવા માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા એસી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે.”
જાણો કેટલું છે ભાડુ
હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, “ચલો કુંભ ચલે” સ્લોગન સાથે રાજ્ય સરકાર દ્વારા કુંભ વિશેષ બસ ચલાવશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રણ રાત ચાર દિવસનું પેકેજ હશે. ₹8100 ભાડું રાખવામાં આવ્યું છે. હાલ તો અમદાવાદથી વોલ્વો ઉપડશે. 27 જાન્યુઆરીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે. અમદાવાદથી પ્રયાગરાજનું લાંબુ અંતર હોવાથી શિવપુરીમાં એક રાત્રિ રોકાણ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ બુક કરાવે ત્યારે સૂચના જરૂર વાંચી લે. પ્રયાગરાજમાં ભોજન માટેની વ્યવસ્થા જાતે કરવાની રહેશે અથવા તો ભંડારા ચાલતા હોય છે તેનો લાભ ઉઠાવી શકો છો.”
રોજ કેટલી બસ ઉપડશે?
પહેલા અમદાવાદથી પ્રયાગરાજની વોલ્વો શરૂ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાત અને પ્રયાગરાજમાં વ્યવસ્થા થાય તે પ્રમાણે બસ ચલાવવામાં આવશે. અમદાવાદથી રોજની એક વોલ્વો બસ ચલાવવામાં આવશે. પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh