Explore

Search

July 9, 2025 2:47 am

LATEST NEWS
Lifestyle

પાણી પુરવઠા બોર્ડના ચાલુ ફરજે મૃત્યુ પામેલા કર્મીના વારસોને સહાય મળશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Facebook
Twitter
WhatsApp
Email

પાણી પુરવઠા બોર્ડના ચાલુ ફરજે મૃત્યુ પામેલા કર્મીના વારસોને સહાય મળશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે  એક મહત્ત્વના આદેશ મારફતે રાજ્યના પાણી પુરવઠા બોર્ડના ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ કર્મચાચારીઓની પત્ની-વારસોને રહેમરાહે ઉચ્ચક સહાય રૂ. આઠ લાખ અને તા. 24 નવેમ્બર 2022 પછી ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારીઓની પત્ની-વારસોને  રૂ.14 લાખની સહાય ચૂકવવા અંગેના નિર્ણયને બહાલી આપી હતી. વધુમાં, પાણી પુરવઠા બોર્ડના ચાલુ નોકરીએ મૃત્યુ પામનાર કર્મચારીઓની વિધવાઓને રહેમરાહે ઉચ્ચક સહાય ચૂકવવા અંગેના ગુજરાત હાઇકોર્ટના હુકમથી નારાજ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરાઇ હતી.

સુપ્રીમ કોર્ટે બોર્ડની એસએલપી ફગાવી

જો કે, સુપ્રીમ કોર્ટે પાણી પુરવઠા બોર્ડની એસએલપી પણ આકરા વલણ સાથે ફગાવી હતી. સુપ્રીમ કોર્ટના આ હુકમને પગલે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે., તો બીજીબાજુ, રાજ્ય સરકાર અને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને સુપ્રીમ કોર્ટ સુધી તમામ તબક્કે ઝટકો મળ્યો છે.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એસએલપીનો સખત વિરોધ કરતા મૃત કર્મચારીઓની વિધવાઓ તરફથી એડવોકેટ આશ્લેષા પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારીઓને રહેમરાહે નોકરીની યોજના રદ કરી તેના બદલે ઉચ્ચક સહાય આપવા અંગે 5 જુલાઇ 2011 અને 7 એપ્રિલ 2016ના ઠરાવો કરવામાં આવ્યા હતા. આ ઠરાવોની સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલવારી કરાતી હતી. પરંતુ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સરકારના આ ઉમદા નિર્ણયની અમલવારી અચાનક મનસ્વી રીતે બંધ કરી દેવાઇ હતી અને સરકારની આ યોજનાનો અમલ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હતા.

જેથી સ્વર્ગસ્થ કર્મચારીઓની વિધવાઓ દ્વારા આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઇ હતી. જેમાં સ્વ.કર્મચારીઓની વિધવાઓ તરફથી અદાલતનું ઘ્યાન દોરાયું કે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામનાર કર્મચારીઓની વિધવાઓને ખોટી રીતે ઉચ્ચક સહાયથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. બોર્ડ આ લાભો નહી આપવા એવું કારણ રજૂ કરે છે કે, સ્વ.કર્મચારીઓ રોજમદાર કર્મચારીઓ હતા અને તેથી તેમને આ યોજનાનો લાભ ના મળે પરંતુ વાસ્તવમાં સ્વ.કર્મચારીઓ નોકરીમાં જોડાયા ત્યારે રોજમદાર તરીકે હતા, દસ વર્ષ પછી તેઓને નોકરીમાં કાયમી કરાયા હતા.

આ દલીલો ગ્રાહ્ય રાખી સીંગલ જજે અરજદાર વિધવાઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેનાથી નારાજ થઇ પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ કરાઇ હતી પરંતુ ખંડપીઠે પણ બોર્ડની અપીલ ફગાવી દીધી હતી. હાઇકોર્ટમાં પછડાટ ખાતા બાદ પણ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ મુદ્દાને જાણે અહમનો પ્રશ્ન બનાવી સરકારના નાણાંનો દુર્વ્યય કરવાના ભાગરૂપે સુપ્રીમ કોર્ટમાં  સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરાઇ હતી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment