ધોનીના માનમાં સરકાર લાવશે ૭ રૂપિયાનો સિક્કો? જાણો શું છે વાઇરલ તસવીરનું સત્ય
જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સતર્ક અને બુદ્ધિશાળી રહેવું જરૂરી છે. કારણ કે હવે સોશિયલ મીડિયા પણ ફેક ન્યૂઝનું કેન્દ્ર બની ગયું છે. આવી જ એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના માનમાં 7 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવા જઈ રહી છે.
શું આ દાવો સાચો છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આરબીઆઈ મહેન્દ્ર સિંહ ધોનીના માનમાં 7 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવા જઈ રહ્યું છે. થાલા ફરી એકવાર ચમકી રહ્યો છે.’
હવે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેકમાં બહાર આવ્યું છે કે આ વાઈરલ દાવો ખોટો છે. સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. PIBએ ‘X’ પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર ફરતી એક તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીના યોગદાન બદલ તેમના માનમાં 7 રૂપિયાનો નવો સિક્કો જારી કરવામાં આવશે. તસવીર દ્વારા કરવામાં આવી રહેલો આ દાવો ખોટો છે.’
An image circulating on social media claims that a new ₹7 coin will be released to honor Mahendra Singh Dhoni for his contributions to Indian Cricket.#PIBFactCheck
✔️ The claim made in the image is #fake
✔️ The Department of Economic Affairs has made NO such announcement. pic.twitter.com/YNvtibVaII
— PIB Fact Check (@PIBFactCheck) January 15, 2025
ધોનીની ક્રિકેટ કારકિર્દી
અત્યાર સુધીમાં ભારતના સૌથી સફળ કેપ્ટનમાનો એક ગણાતો એમએસ ધોનીએ વર્ષ 2007માં T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને જીત અપાવી હતી. આ પછી વર્ષ 2011માં તેની કેપ્ટનશીપ હેઠળ ભારત વનડેમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. પરંતુ હજુ તેણે IPLમાં રમવાનું ચાલુ રાખ્યું છે. તેણે પોતાની કારકિર્દીમાં 90 ટેસ્ટ રમ્યા અને 4876 રન બનાવ્યા હતા. તેણે 350 વન-ડે મેચોમાં 10 હજાર 773 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 98 T20 મેચમાં 1617 રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેણે 264 IPLમાં 5243 રન બનાવ્યા છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh