શેર બજારમાં જોવા મળ્યો ભારે કડાકો, અત્યાર સુધીમાં રોકાણકારોએ ૩ લાખ કરોડથી વધુ ગુમાવ્યા
શેરબજારમાં વોલેટિલિટી સતત વધી રહી છે. આજે સેન્સેક્સ વધુ 567 પોઈન્ટ તૂટી 77631.33 થયો હતો. નિફ્ટી પણ 23500ની સાયકોલોજિકલ ટેકાની સપાટી જાળવવા મથામણ કરતો જોવા મળ્યો છે. 11.12 વાગ્યે નિફ્ટી 131.70 પોઈન્ટ અને સેન્સેક્સ 453.53 પોઈન્ટના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. અકંદરે માર્કેટમાં ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ. 3.28 લાખ કરોડ ગુમાવ્યા છે.
230 શેર્સમાં લોઅર સર્કિટ
બીએસઈ ખાતે ટ્રેડેડ 230 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 73 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. કુલ ટ્રેડેડ 3818 પૈકી 2461 શેર ઘટાડા તરફી જ્યારે 1222 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ 119 શેર 52 વીક હાઈ થયા છે. 154 શેરમાં અપર સર્કિટ વાગી છે.
બેન્કિંગ-ફાઈનાન્સ શેર્સમાં ગાબડું
બેન્કિંગ અને ફાઈનાન્સ શેર્સમાં વેચવાલી સતત વધી છે. બીએસઈ બેન્કેક્સ ખાતે ટ્રેડેડ તમામ 10 સ્ક્રિપ ઘટાડા તરફી ટ્રેડ થવા સાથે ઈન્ડેક્સમાં 570 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. ફેડરલ બેન્ક 2 ટકા, યસ બેન્ક 1.58 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.48 ટકા અને એસબીઆઈ શેર 1.44 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય મેટલ, પાવર, રિયાલ્ટી શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાઈ છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh