અમેરિકામાં મોટી દુર્ઘટના, ટેક ઓફ કરતાં જ ઈમારત સાથે ટકરાયું વિમાન, ૨ નાં મોત, ૧૮ ઈજાગ્રસ્ત
તાજેતરમાં જ કઝાકિસ્તાન એરલાઇન્સનું વિમાન અને એના પછી દ.કોરિયામાં જેજુ એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઇ હતી. હજુ આ મામલો ભૂલાયો પણ નથી ત્યાં અમેરિકામાં વધુ એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી સામે આવી રહી છે.
🚨BREAKING: A plane has crashed into a warehouse near Fullerton Airport in California. Casualties reported, and the fire department is on a 4-alarm response.
— Benny Johnson (@bennyjohnson) January 2, 2025
18 લોકો ઈજાગ્રસ્ત
માહિતી અનુસાર દક્ષિણ કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ એક નાનું વિમાન હતું જે ફર્નિચરના ગોડાઉન સાથે ટકરાઈ ગયું. જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઈમારતની છત પરથી ધૂમાડાના ગોટેગોટા ઉડતાં દેખાઈ રહ્યા છે.
ક્યારે સર્જાઈ વિમાન દુર્ઘટના?
આ વિમાન દુર્ઘટના લગભગ 2:15 વાગ્યે સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂની શરૂઆત કરી હતી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી જેના લીધે ગોડાઉનને પણ નુકસાન થયું. અહીં સિલાઈ મશીન, કાપડનો સ્ટૉક મૂકી રાખવામાં આવ્યો હતો.
ઉડાન ભરતાં જ ટકરાયું…
પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઇટે દાવો કર્યો હતો કે આ વિમાન ફોર સીટર હતું અને ઉડાન ભર્યાની એક જ મિનિટ બાદ તે ઈમારત સાથે ટકરાઈ ગયું હતું.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh