Explore

Search

July 8, 2025 3:58 pm

LATEST NEWS
Lifestyle

બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત , થરાદ હેડક્વાર્ટર રહેશે

Facebook
Twitter
WhatsApp
Email

બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત , થરાદ હેડક્વાર્ટર રહેશે

નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લાઓ હશે. ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળવા જઇ રહ્યો છે. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. હાલના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ – 4 નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે

નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.         

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.

હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રીએ વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે   વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.

વાવ-થરાદમાં આ 8 તાલુકાનો સમાવેશ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે,  હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.

બનાસકાંઠામાં આ 6 તાલુકાનો સમાવેશ 

બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.

આ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600 આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં 6257 ચો. કિ.મી અને બાનસકાંઠા જિલ્લામાં 4486 ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે.

પહેલાં વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.

વાવ-થરાદ જિલ્લામાં હાલ નહી યોજાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ

વસતી અને વિસ્તારના આધારે વિભાજનની પ્રક્રિયાના કામ, સિમાંકન, સહિતની પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ નહી થાય ત્યાં સુધી હાલમાં આ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે નહી. આ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં 9 મહિના જેટલો સમય લાગશે.

થરાદને જિલ્લો બનાવવા રજૂઆતો કરાતી હતી

બનાસકાંઠામાં થરાદ નવો જિલ્લો બનાવવા છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત સરકારને રજૂઆતો કરાતી હતી. આ રજૂઆતોને પગલે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર મારફતે થરાદ નાયબ કલેક્ટરનો અભિપ્રાય માંગ્યો હતો. થરાદ નાયબ કલેક્ટરે ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ થરાદ જિલ્લો બનવાને લાયક હોવાનો રિપોર્ટ ગુજરાત સરકારને મોકલ્યો હતો.

ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ 1948થી કાર્યરત થરાદ પ્રાંતમાં થરાદ, વાવ, ભાભર, દિયોદર અને કાંકરેજ તાલુકાનો સમાવેશ થતો હતો. બનાસકાંઠાના 14 તાલુકાની સરખામણીએ થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકા ધરાવતો થરાદ જિલ્લો બની જાય, તો વહીવટી કામોમાં સરળતા તેમજ વિકાસની કામગીરીને પણ વેગ મળી શકે એમ છે.

સુવિધાઓની સાથે સાથે રોજગારી વધશે

થરાદના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, થરાદ જિલ્લો એ આસપાસના પાંચ તાલુકાનું કેન્દ્ર છે. થરાદ જિલ્લો બનવાથી પાંચ તાલુકાના લોકોને વહીવટી કામગીરી સરળતાથી ઉપલબ્ધ થશે. થરાદ સહિતના પાંચ તાલુકાનો વિકાસ પણ થશે, સુવિધાઓ વધશે અને રોજગારીની તકો પણ સર્જાશે. એટલે આ નિર્ણય બિલકુલ યોગ્ય છે.

ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લાઓ

જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે.આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 33 નહીં કુલ 34 જિલ્લા છે.

ક્રમ જિલ્લો મુખ્ય શહેર
1 અમદાવાદ અમદાવાદ
2 અમરેલી અમરેલી
3 આણંદ આણંદ
4 અરવલ્લી મોડાસા
5 બનાસકાંઠા પાલનપુર
6 ભરૂચ ભરૂચ
7 ભાવનગર ભાવનગર
8 બોટાદ બોટાદ
9 છોટા ઉદેપુર છોટા ઉદેપુર
10 દાહોદ દાહોદ
11 ડાંગ આહવા
12 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા
13 ગાંધીનગર ગાંધીનગર
14 ગીર સોમનાથ વેરાવળ
15 જામનગર જામનગર
16 જૂનાગઢ જૂનાગઢ
17 ખેડા નડિયાદ
18 કચ્છ ભુજ
19 મહીસાગર લુણાવાડા
20 મહેસાણા મહેસાણા
21 મોરબી મોરબી
22 નર્મદા રાજપીપળા
23 નવસારી નવસારી
24 પંચમહાલ ગોધરા
25 પાટણ પાટણ
26 પોરબંદર પોરબંદર
27 રાજકોટ રાજકોટ
28 સાબરકાંઠા હિંમતનગર
29 સુરત સુરત
30 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર
31 તાપી વ્યારા
32 વડોદરા વડોદરા
33 વલસાડ વલસાડ
34 વાવ-થરાદ થરાદ

 

મુખ્યમંત્રીએ નપા અને મનપા માટે 1000 કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment