સુઝુકી મોટર કોર્પના પૂર્વ ચેરમેન ઓસામૂ સુઝુકીનું નિધન, પીએમ મોદીએ શ્રદ્ધાંજલી આપી
સુઝુકી મોટર કોર્પના પૂર્વ ચેરમેન ઓસામૂ સુઝુકીનું નિધન થયું છે. તેમણે 94 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. ઓસામૂ સુઝુકીએ 40થી વધુ વર્ષ સુધી સુઝુકી મોટર કોર્પની આગેવાની કર્યા બાદ વર્ષ 2021માં નિવૃત્તિની જાહેરાત કરી હતી, તે સમયે તેઓ 91 વર્ષના હતા.
ઓસામૂ સુઝુકીની લીડરશિપ હેઠળ કંપનીનું વિસ્તરણ થયું
સુઝુકી મોટર કોર્પે શુક્રવાર 27મી ડિસેમ્બરનારોજ ચેરમેન ઓસામૂ સુઝુકીનું નિધન થયું હોવાની માહિતી આપી છે. જોકે તેમનું નિધન 25 ડિસેમ્બરના રોજ થયું હતું. આ માહિતી કંપનીના સત્તાવાર નિવેદન મુજબ મળી છે. ઓસામૂ સુઝુકીએ કંપનીને આગળ વધારવા માટે ઘણું યોગદાન આપ્યું છે. કંપની તેમની લીડરશિપ હેઠળ માર્કેટમાં વિસ્તરણ કર્યું. આ કંપની ખાસ કરીને મિની કાર્સ અને બાઈક માટે જાણિતી છે.
વડાપ્રધાન મોદીએ ઓસામુ સુઝુકીને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસામુ સુઝુકીને શ્રદ્ધાંજલી પાઠવી છે. વડાપ્રધાન તેમની સાથેની એક મુલાકાતની તસવીરો ટ્વિટ કરી છે અને લખ્યું છે કે, ‘મેં તેમની સાથે અનેક વખત મુલાકાત કરી છે અને તે યાદોને યાદ કરું છું. હું તેમના વ્યવહારિક અને નમ્ર અભિગમની ઊંડી પ્રશંસા કરું છું. તેમણે અથાગ મહેનત કરીને ઉદાહરણ પુરુ પાડ્યું છે અને ગુણવત્તા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી છે. મારી તેમના પરિવાર, સહ કર્મચારીઓ અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના.
ઓસામૂ સુઝુકી સુઝુકી મોટર કોર્પોરેશનને વૈશ્વિક પાવરહાઉસમાં પરિવર્તિત કરનાર અને ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્વપ્નદ્રષ્ટા નેતા હતા. તેમના નેતૃત્વ હેઠળ મારુતિ ઉદ્યોગ લિમિટેડ સાથે સુઝુકીના સહયોગથી મારુતિ સુઝુકીની રચના થઈ. ઓસામૂ સુઝુકીની આગેવાની હેઠળ કંપની ભારતના ઓટોમોટિવ સેક્ટરમાં ખૂબ પ્રગતિ કરી શકી.
Deeply saddened by the passing of Mr. Osamu Suzuki, a legendary figure in the global automotive industry. His visionary work reshaped global perceptions of mobility. Under his leadership, Suzuki Motor Corporation became a global powerhouse, successfully navigating challenges,… pic.twitter.com/MjXmYaEOYA
— Narendra Modi (@narendramodi) December 27, 2024
ઓસામૂ સુઝુકીની જીવનયાત્રા
તેમની જીવન યાત્રા એક સામાન્ય પરિવારમાંથી શરૂ થઈ હતી અને તેમનો જન્મ 30 જાન્યુઆરી-1930ના રોજ જાપાનના ગેરો-ગિફુ પરફેક્ચરમાં થયો હતો. તેમણે ટોક્યોમાં ચાઓ યુનિવર્સિટીમાં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ઓસામૂ સુઝુકીએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, જેમાં તેમણે જુનિયર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને નાઈટ ગાર્ડ તરીકે પણ કામ કર્યું હતું. 1953માં સ્નાતક થયા બાદ તેમણે શરૂઆતમાં બેંકમાં કામ કર્યું હતું અને પછી લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ સુઝુકી પરિવારના વ્યવસાયમાં જોડાયા અને આ જ ટર્નિંગ પોઈન્ટથી તેમની છ દાયકાની કારકિર્દીની શરૂઆત થઈ હતી.
1958માં સુઝુકી મોટર કોર્પમાં જોડાયા
તેઓ વર્ષ 1958માં સુઝુકી મોટર કોર્પોમાં જોડાયા હતા અને 1978માં તેના પ્રેસિડેન્ટ બન્યા હતા. વર્ષ 2000માં તેમની ચેરમેન તરીકે નિમણૂક થઈ હતી. તેમણે કંપનીનાં ચેરમેન તરીકેનો કુલ 28 વર્ષ લીડરશીપ કરી અને કંપનીને ટોચ પર લઈ ગયા. તેઓ સૌથી લાંબા સમય સુધી આ વૈશ્વિક ઓટોમેકરના વડા તરીકે રહ્યા હતા. 1978માં સુઝુકીના પ્રમુખ તરીકે ઓસામુ સુઝુકીના કાર્યકાળ દરમિયાન કંપનીએ અનેક મહત્વપૂર્ણ વિસ્તરણ કર્યા હતા.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh