ખ્યાતિ હોસ્પિટલ પીએમજય કૌભાંડ: આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ, ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કરતો હતો એપ્રૂવ
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં રોજે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે ખ્યાતિ હોસ્પિટલમાંથી દર્દીઓના ખોટા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતા હતા, જેની ઉંડાણ પૂર્વક તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને ગાંધીનગર આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની કડી મળી હતી. જે મુદ્દે પુરવા મળતા ક્રાઈમ બ્રાન્ચે ગુરૂવારે (26મી ડિસેમ્બર) મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. જ્યારે બે કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે.
કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી
મળતી માહિતી અનુસાર, મિલાપ પટેલ આરોગ્ય વિભાગમાં 2017થી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. મિલાપનું કામ આયુષ્માન કાર્ડ એપ્રૂવ કરવાનું હતું. આ મહત્ત્વની જવાબદારીનો ગેરલાભ ઊઠાવી તેણે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ એપ્રૂવ કર્યા હોવાનો ખુલાસો થયો છે. મિલાપને કાર્ડ દીઠ એક ફિક્સ રકમ પણ મળતી હતી. મિલાપની આ ગેરરિતીથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, બોગસ આયુષ્માનકાર્ડના કૌભાંડમાં જોડાયેલા આરોપીઓએ ખ્યાતિ હોસ્પિટલનાં 150 કાર્ડ કઢાવી આપ્યાં હતાં, જેમાં ખાસ કરીને જ્યાં કેમ્પ થતા હતા અને જે લોકો સારવાર માટે આવતા હતા અને જેમની પાસે કાર્ડની વ્યવસ્થા નહોતી તેમને આ કાર્ડ બનાવી આપ્યાં હતાં. તેમની સારવાર પણ આ કાર્ડની લિમિટના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે ખુલ્યું મિલાપ પટેલનું નામ?
થોડા દિવસ પહેલા ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ ઝડપાઈ હતી. જે આરોપીઓની પૂછપરછમાં મિલાપ પટેલના નામનો ખુલાસો થયો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચ તે દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલ સહિતના શંકાસ્પદ કર્મચારીઓ પર નજર રાખીને બેઠુ હતું. અને યોગાય પુરાવા મળતા તેની ધરપકડ કરી લેવાઈ.
કાર્ડના સૌદાગરો મહિને રૂ. 40 થી 50 હજાર કમાતા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી આયુષ્માન કૌભાંડમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે. જે આરોપીઓ સામાન્ય લોકોના ડેટાને એડિટ કરીને બીજાના નામ ઘુસાડી દેતા હતા અને તેમના આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાનાં કાર્ડ બનાવી આપતા હતા. આરોપીઓ મહિને 40 થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા હતા.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh