ભારતના દુશ્મનનો અંત, મુંબઈ હુમલાનો દોષિત અને લશ્કર-એ-તોયબાના ડેપ્યુટી ચીફનું હાર્ટએટેકથી મોત
આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાનો ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનના લાહોરમાં મૃત્યુ પામ્યાનો અહેવાલ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.
મુંબઈ હુમલામાં સામેલ હતો…
26/11ના મુંબઈ હુમલાનો ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કી આતંકી હાફિઝ સઇદનો સંબંધી છે. અમેરિકાએ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તેને ભારતમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબાના ટેરરફંડિંગનું ધ્યાન રાખતો હતો.
અમેરિકાએ વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 1267 ISIL (Da’esh) અને અલ કાયદાની પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. આ સાથે તેની સંપત્તિઓ પણ ફ્રીઝ કરવામાં આવી હતી. મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હથિયારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અબ્દુલ રહેમાન મક્કી શું કરતો હતો?
અબ્દુલ રહેમાન મક્કીને 16 જાન્યુઆરીના રોજ ISIL અને અલ કાયદા સાથે સંકળાયેલા હોવા અને આતંકવાદને ફન્ડિંગ, કાવતરામાં ભાગીદારી, લશ્કર-એ-તોયબા દ્વારા અથવા તેના સમર્થન સાથે ભરતી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા બદલ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. મક્કી લશ્કરની રાજકીય પાંખ જમાદ ઉદ દાવાનો ચીફ પણ હતો. તે લશ્કરના વિદેશી સંબંધો વિભાગનો વડા રહી ચૂક્યો છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh