મંદીના ભણકારા : જીડીપી બાદ હવે રોજગારીની તકો ઘટી, ઈપીએફઓ ના જોબ ગ્રોથના ડરામણાં આંકડા
– ઓક્ટોબરમાં ઇપીએફઓમાં જોબ ગ્રોથના આંકડા સાત મહિનાના તળિયે
– સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર 5.4 ટકા સાથે ત્રણ વર્ષના તળિયે નોંધાયો, છેલ્લા ત્રણ વર્ષમાં બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિદરની સરેરાશ 8.3 ટકા હતી
– નોકરિયાતોના ચોખ્ખા ઉમેરામાં ટોચના પાંચ રાજ્યનો 61.32 ટકા હિસ્સો, મહારાષ્ટ્ર જોબ ગ્રોથમાં આગેવાન
– ઓક્ટોબરમાં નવા હાયરિંગમાં લગભગ 21 ટકાનો ઘટાડો, ઇપીએફઓમાં 7.50 લાખ નવી નોકરીઓ ઉમેરાઈ
વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ઘટીને 5.4 ટકા આવ્યો જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન જીડીપીની સરેરાશ 8.3 ટકા રહી હતી. જીડીપીમાં જોરદાર ઘટાડાનું પ્રતિબિંબ પાડતા હોય તેમ ઓક્ટોબરમાં ઇપીએફઓના ચોખ્ખા ઉમેરામાં થતી વૃદ્ધિમાં 20.8 ટકા ઘટાડો થતાં 7.50 લાખનો જ ઉમેરો થયો હતો, આમ આ વૃદ્ધિ સાત માસની નીચી સપાટીએ છે.
સપ્ટેમ્બરમાં 9.47 લાખ લોકો નોકરીમાં ઉમેરાયા હતા, એમ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા જારી કરવામાં આવતા માસિક ડેટામાં જણાવાયું છે. ઓક્ટોબરમાં જોબમાં 7.50 લાખનો ચોખ્ખો ઉમેરો થયો છે, જ્યારે કુલ ઉમેરાનો આંકડો 13.41 લાખ છે. એટલે કે 12.90 લાખ લોકો એક નોકરીમાંથી બીજી નોકરીમાં ગયા છે. જ્યારે અગાઉના મહિને આ આંકડો 14.1 લાખનો હતો, જે પાંચ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ બતાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો જોબ ગ્રોથ હવે ધીમો પડયો છે.
ઇપીએફઓના આંકડા મહત્ત્વના છે, કારણ કે તે શ્રમબજારની સાથે-સાથે દેશની આર્થિક વૃદ્ધિનું પણ પ્રતિબિંબ પાડે છે.
જો કે આ આંકડા સોશિયલ સિક્યોરિટીનો ફાયદો મેળવતા અને શ્રમ કાયદાનું રક્ષણ મેળવનારાના જ છે, આવું કોઈ સંરક્ષણ ન મેળવનારી જોબ્સનો આમા સમાવેશ કરાતો નથી.
ઓક્ટોબરમાં નવા ઉમેરાયેલા ઇપીએફઓ સભ્યોમાં પણ 18થી 25 વર્ષના એટલે કે યુવાનોના પ્રમાણમાં જોઈએ તો આ પ્રમાણ પણ ઘટીને 58.5 ટકા થયું છે, એટલે કે કુલ 7.50 લાખ નવા ઇપીએફઓ સભ્યોમાં યુવાનોની સંખ્યા 4.38 લાખ જ હતી. જ્યારે સપ્ટેમ્બરમાં આ ટકાવારી 60 ટકા હતી એટલે કે 9.47 લાખના નવા ઉમેરામાં યુવાનોની સંખ્યા 567700 હતી.
18થી 25 વર્ષના નોકરિયાતો પહેલી જ વખત જોબ માર્કેટમાં પ્રવેશ્યા હોય છે.
તના પરથી રોજગારીના સ્તરનો અને આર્થિક પ્રવૃત્તિ તથા ધંધાઉદ્યોગની સ્થિતિનો પણ ખ્યાલ આવે છે. જો કે બીજી મહત્ત્વની વાત એ છે કે મહિલા સબસ્ક્રાઇબરોનો હિસ્સો ગયા મહિનાના 26.1 ટકા એટલે કે 247000 થી વધીને 27.9 ટકા એટલે કે 209000 થયો છે.
શ્રમ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે મહિલા નોકરિયાતોની સંખ્યામાં થયેલો વધારો દર્શાવે છે કે આપણું શ્રમબળ વધુ સમાવિષ્ટ અને વૈવિધ્યસભર બની રહ્યું છે.પોતાનો આગવો કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડ સરવે (સીપીએચએસ) કરનારા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં શ્રમબજારોનો દેખાવ અત્યંત ખરાબ રહ્યો હતો. તેના લીધે સપ્ટેમ્બરમાં 7.8 ટકાનો બેરોજગારી દર ઓક્ટોબરમાં વધીને 8.7 ટકા થઈ ગયો હતો.
નોકરિયાતોના ચોખ્ખા ઉમેરાોમાં ટોચના પાંચ રાજ્યો કુલ રાજ્યોમાં 61.32 ટકા હિસ્સો ધરાવે છે.
તેઓએ લગભગ 8.22 લાખ સભ્યો ઉમેર્યા છે. મહારાષ્ટ્ર 22.18 ટકા જેટલા ઉમેરા સાથે ટોચના ક્રમે છે. તેના પછીના ક્રમે કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, તેલંગણા અને ગુજરાત આવે છે.
આ રાજ્યોએ મહિના દરમિયાન ઉમેરેલા કુલ સભ્યોમાં લગભગ પાંચ ટકાથી વધુને ફાળો આપ્યો છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh