વિશ્વ જળમગ્ન શહેર દિવસ : જુઓ , કૃષ્ણની નગરી દ્વારકાનો વિશ્વને અનોખી રીતે કરાવાશે પરિચય
21 ડિસેમ્બર, 2024ના રોજ ‘વિશ્વ જળમગ્ન શહેર’ (સંકન સિટી) દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ દિવસે જળમગ્ન દ્વારકા નગરીમાં એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જય દ્વારકા અભિયાન હેઠળ દ્વારકાના પંચકુઈ બીચ નજીક જે જગ્યાએ સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે, ત્યાં બીચની નજીક અરબી સમુદ્રની અંદર સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા હ્યુમન ફ્લોટિંગ લોગો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આયોજનમાં વિશ્વભરમાં ડૂબી ગયેલા શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપિંછ આકારનો લોગો રચાશે.
સંકન સિટી દિવસ નિમિત્તે દ્વારકાના દરિયામાં 7 સ્કૂબા ડાઇવર્સ દરિયાના તળીયે બેસી પંદર મિનિટ સુધી શ્રીકૃષ્ણના જાપ કરશે. જ્યાં વડાપ્રધાન મોદીએ પણ સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. તેમણે દ્વારકાના દરિયામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા હતા. તેમજ નિખિલ નિત્યાગ્નિ આશ્રમ અને ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તેમજ સર્વ દેવતા હોમ-હવન માટે જાણીતા શ્રી શ્રીની ગુરુજી દ્વારા હોમ કરાવવામાં આવશે. જેનો ભક્તજનો લાભ લઈ શકશે.
Dwarka Darshan under the waters…where the spiritual and the historical converge, where every moment was a divine melody echoing Bhagwan Shri Krishna's eternal presence. pic.twitter.com/2HPGgsWYsS
— Narendra Modi (@narendramodi) February 25, 2024
મોરપીંછ આકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે
આ સાથે જ જય દ્વારકા અભિયાન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્કૂબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાવાના છે. તેમજ મેગા ઇવેન્ટમાં સમુદ્રમાં સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા ગોળાકાર આકારનો કુલ 7 ભાગોમાં વહેંચાયેલા શ્રી કૃષ્ણના પ્રતીક સમા મોરપીંછ આકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે. આ સાથે જ દરિયાકાંઠે 70 જેટલાં નર્તકો દ્વારા શ્રી કૃષ્ણભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત પણ કરવામાં આવશે. આ સિવાય દ્વારકામાં વિશેષ હોમનું પણ આયોજન કરાયું છે.
શ્રીકૃષ્ણા જલા જપા દીક્ષાનું પણ આયોજન કરાશે
વર્લ્ડ સંકન સિટી દિવસ નિમિતે યાત્રાધામ દ્વારકામાં ‘શ્રીકૃષ્ણા જલા જપા દીક્ષા’નું પણ આયોજન કરવામાં આવશે. શનિવારે 11 વાગ્યે ગોમતી નદીના કિનારે પંચકુઈ બીચ નજીક સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષોની સાથે 5 હજાર વર્ષ પહેલાં દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રી કૃષ્ણ કાળની દ્વારકાની મહત્તાને વિશ્વ ફલક પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગાંધારીના શ્રાપના કારણે જળમગ્ન થઈ હતી દ્વારકાનગરી
શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ગાંધારીના શ્રાપના કારણે જળમગ્ન થઈ ગઈ હતી. પૌરાણિક કથાઓ અનુસાર, આ નગરીનું નામ કુશસ્થળી હતું. જ્યારે યુગો વિતતાની સાથે પ્રલય આવવાથી કુશસ્થળી નગર નષ્ટ થઈ ગયું, તો શ્રીકૃષ્ણના આદેશ પર વિશ્વામિત્ર અને મયાસુરે અહીં ગુજરાતમાં આવીને સમુદ્ર કિનારે ભવ્ય મહેલ અને નગરનું નિર્માણ કરાવ્યું, જેનું નામ દ્વારકા રખાયું. ત્યારબાદ મહાભારતની ઘટનાઓ કંઈક એ રીતે બની કે કુરુક્ષેત્ર યુદ્ધમાં કૌરવો નષ્ટ થયા બાદ ગાંધારીના શ્રાપની અસર થવા લાગી અને કંઈક અપ્રિય ઘટનાઓ બની અને શ્રીકૃષ્ણના વૈકુંઠ ગમન બાદ દ્વારકા નગરી પણ જળમગ્ન થઈ ગઈ.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh